નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ટીમમાંથી બહાર રાખવામાં આવેલા કરૂણ નાયર અને મુરલી વિજયને એમ. એસ.કે.પ્રસાદની આગેવાનીવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિની 'સંવાદ નીતિ' અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર સ્પષ્ટતા માગી શકે છે. જાણવા મળ્યું છે કે, વિજય અને નાયરે કેન્દ્રીય અનુબંધિત ક્રિકેટરો માટે બનેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પસંદગી સમિતી કે બીસીસીઆઈના અધિકારીઓને મીડિયા સામે તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પસંદ આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆીના એક વરિષ્ઠ અધિકારકીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, "વિજય અને કરૂણે પસંદગી નીતિ અંગે નિવેદન આપીને યોગ્ય કર્યું નથી. આ કેન્દ્રીય અનુબંધનું ઉલ્લંઘન છે. કેન્દ્રીય અનુબંધ અનુસાર એક પણ ખેલાડી તાજેતરમાં જ સમાપ્ત થયેલા પ્રવાસ અંગે 30 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકે નહીં. હૈદરાબાદમાં આગામી 11 ઓક્ટોબરે મળનારી સીઓએની બેઠકમાં આ મુદ્દો ચર્ચાઈ શકે છે."


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કરૂણ નાયર અને મુરલી વિજયે મીડિયામાં પસંદગી સમિતિ પર 'સંવાદનો અભાવ' હોવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્ય પસંદગીકર્તા એમ.એસ.કે. પ્રસાદે આ આરોપોનો ઈનકાર કર્યો હતો. 



સીઓએના પ્રમુખ વિનોદ રાયે અહીં શનિવારની બેઠક બાદ જણાવ્યું કે, "આ બધું બકવાસ છે. પસંદગી સમિતી તરફથી આ પ્રકારનો કોઈ મુદ્દો આવ્યો નથી. અમારી પસંદગી સમિતિ સ્વતંત્ર રીતે કામ કરે છે. વિજય અને કરૂણના નિવેદનની વાત છે ત્યાં સુધી અમે તેમના અંગેનો નિર્ણય લેવાની વાત પસંદગીકર્તાઓ પર છોડી દીધી છે."


કરૂણને ઈંગ્લેન્ડમાં તમામ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં સામેલ કરાયો ન હતો, જ્યારે વિજયને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ત્રણ ટેસ્ટ બાદ બહાર કરી દેવાયો હતો. ત્યાર બાદ તે એસેક્સ માટે મેચ રમવા જતો રહ્યો હતો.