નવી દિલ્હીઃ બીસીસીઆઈએ કેન્દ્રીય કરારનું ઉલ્લંઘન કરવાના મામલામાં ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની બિનશરતી માફીનો સ્વીકાર કરી લીધો, જેથી આ મામલામાં સમાધાન થઈ ગયું છે. કાર્તિકે શાહરૂખ ખાનની ત્રિનબાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમથી કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઈને બીસીસીઆઈના કરારનું ઉલ્લંઘન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્તિકે બીસીસીઆઈની નોટિસ બાદ બિનશરતી માફી માગી હતી. કાર્તિક આઈપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનો કેપ્ટન છે. તે ડ્રેસિંગ રૂમમાં ત્રિનબાગોની જર્સીમાં જોવા મળ્યો હતો. 


બીસીસીઆઈના રાષ્ટ્રીય કરાર પ્રમાણે દેશ માટે 26 ટેસ્ટ અને 94 વનડે રમનારા કાર્તિકે આ મેચ માટે બોર્ડની મંજૂરી લેવાની હતી. તેનો કરાર તેનો કોઈ ખાનગી લીગમાં ભાગ લેવાની પરવાનગી આપતો નથી. 


બીસીસીઆઈએ તેને કારણ દર્શાવો નોટિસ આપીને પૂછ્યું હતું કે તેનો કરાર રદ્દ કેમ ન કરવામાં આવે. કાર્તિકે પોતાના બચાવમાં કહ્યું હતું કે, તે કેકેઆરના કોચ બ્રેન્ડન મેક્કુલમની વિનંતી પર પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેના કહેવા પર જ ટીકેઆરની જર્સી પહેરીને મેચ જોઈ હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર