World Cup ફાઈનલમાં કેમ હારી ટીમ ઈન્ડિયા? કોચ રાહુલ દ્રવિડે જણાવી દીધું કારણ
વિશ્વકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હારના મુદ્દાને એકવાર ફરી હવા મળી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને હારનું કારણ પૂછવામાં આવ્યું તો ભારતીય કોચે તેનો ખુલાસો કરી દીધો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ અને કેપ્ટન રોહિત શર્મા માટે સૌથી મોટું મિશન ODI વર્લ્ડ કપ હતું. મેગા ઈવેન્ટની શરૂઆતથી જ ભારતીય ટીમ ટ્રોફીની દાવેદાર હતી. રોહિત અને કંપનીએ સેમિફાઇનલ સહિત સતત 10 મેચ જીતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં હરાવ્યું હતું. જે બાદ અનેક સવાલો ઉભા થયા, કેટલાક દિગ્ગજોએ ટીમના પ્રદર્શન પર નિશાન સાધ્યું તો કેટલાકે ઓસ્ટ્રેલિયાનો પક્ષ લીધો. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને હારનું કારણ પૂછવામાં આવ્યું તો કોચે સત્ય જાહેર કર્યું.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે. લગભગ 11 દિવસ પછી, BCCI અધિકારીઓએ ટૂર્નામેન્ટમાં ભારતના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે બેઠક યોજી હતી. મેગા ઈવેન્ટ બાદ કેપ્ટન રોહિત શર્મા લંડનમાં રજાઓ માણી રહ્યો છે. જેના કારણે હિટમેન વીડિયો કોલ દ્વારા મીટિંગમાં જોડાયો હતો. આ બેઠકમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમોની પસંદગી અને ભવિષ્યની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. BCCI સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સહિત કેટલાક અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા. દૈનિક જાગરણના એક અહેવાલ અનુસાર, બોર્ડના અધિકારીઓએ કોચ રાહુલ દ્રવિડને વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારના કારણ અંગે પ્રશ્ન કર્યો હતો.
આ પણ વાંચોઃ IND vs SA: રોહિત-વિરાટ અને ગિલ જે ન કરી શક્યા! ભારતના આ 3 ખેલાડીઓએ કરી બતાવ્યું
દ્રવિડે અમદાવાદની પિચને ગણાવી દોષી
રિપોર્ટ્સ પ્રમાણે દ્રવિડે હારને લઈને અમદાવાદની પિચને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે પિચમાંથી એટલો ટર્ન ન મળ્યો, જેટલો ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા હતી. આ હારનું સૌથી મોટું કારણ હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલા માટે જૂની પિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુકાબલો તે પિચ પર રમાયો, જેના પર પહેલા ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે મિડલ ઓવર્સમાં રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં મદદ મળી અને તેણે ભારતે આપેલા 241 રનનો લક્ષ્ય 43 ઓવરમાં હાસિલ કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube