મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પસંદગી સમિતીએ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર અંતર્ગત ટીમના ત્રણ ઈજાગ્રસ્ત ખેલાડીઓ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને એશિયા કપમાંથી બહાર કરી દેવાયા છે. બીસીસીઆઈ દ્વારા ગુરૂવારે આ જાહેરાત કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ જણાવ્યું કે, "ભારતીય ટીમમાં હાર્દિક, અક્ષર અને શાર્દુલના સ્થાને એશિયા કપ માટે હવે દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને સામેલ કરવામાં આવ્યા છે."


બીસીસીઆઈએ વધુમાં જણાવ્યું કે, "ઓલરાઉન્ડર હાર્દિક પટેલને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજાની તપાસ કરી રહી છે. આ ઈજાને કારણે તે એશિયા કપમાં બાકી રહેલી મેચ રમી શકશે નહીં."



બોર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, અક્ષરને પણ પાકિસ્તાન સામેની ફિલ્ડિંગ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ઈજા પહોંચી છે. તેની ઈજાનું સ્કેનિંગ કર્યા બાદ તેને એશિયા કપની ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. 


હોંગકોંગ સામેની પ્રથમ મેચમાં શાર્દુલને જમણા થાપામાં ઈજા પહોંચી હતી. આ કારણે તે પણ એશિયા કપમાં રમી શકે એમ નથી. હવે તેના સ્થાને સિદ્ધાર્થને સામેલ કરવામાં આવ્યો છે. 


બોર્ડે જણાવ્યું કે, એશિયા કપની બાકીની ટૂર્નામેન્ટ માટે હાર્દિકના સ્થાને દીપક અને અક્ષરના સ્થાને જાડેજા રમશે.