BCCIએ ન લીધો લાહોરમાં એસીસીની બેઠકમાં ભાગ, હસન બન્યા અધ્યક્ષ
આ બેઠકમાં એસીસીની માન્યતા પ્રાપ્ત 33 દેશોએ ભાગ લીધો હતો.
કરાચીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સુરક્ષાની ચિંતાઓ તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે લાહોરમાં શનિવારે યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની બેઠકમાં પોતાનો પ્રતિનિધિ ન મોકલ્યો. બીસીસીઆઈએ ભલે બેઠકમાં ભાગ ન લીધો પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના પ્રમુખ નજમુલ હસનને એહસાન મનીની જગ્યાએ વર્ષ 2020 સુધી એસીસીનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, બેઠકમાં ગેરહાજર રહેનારો ભારત મુખ્ય દેશ રહ્યો. તેમાં એસીસીનીમાન્યતા પ્રાપ્ત 33 દેશોએ ભાગ લીધો જેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફગાનિસ્તાન જેવા પૂર્ણકાલિન સભ્ય દેશ પણસામેલ છે. તેમણે કહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના સીઈઓ ડેવ રિચર્ડસને પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
પીસીબીના સૂત્રોએ કહ્યું, બીસીસીઆઈએ પીસીબી અને એસીસીને જાણકારી આપી કે, હાલના રાજકીય તણાવ અને સુરક્ષાની ચિંતાને કારણે તે બેઠકમાં ભાગ લેવાની સ્થિતિમાં નથી. એસીસીના 35 વર્ષના ઈતિહાસમાં પ્રથમ અવસર છે જ્યારે ભારતે સામાન્ય સભામાં તેનો કોઈ પ્રતિનિધિ મોકલ્યો નથી.