નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામની ભલામણ કરી છે. તેમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ સામેલ છે. શમી, બુમરાહ અને જાડેજા પુરૂષ ક્રિકેટર છે અને વિશ્વ કપની ટીમમાં છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટર છે. અર્જુન એવોર્ડ દર વર્ષે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને આપવામાં આવે છે. આ માટે અલગ-અલગ રમતોના બોર્ડ ખેલાડીઓના નામ મંત્રાલયને મોકલે છે. રમતગમત મંત્રાલય એવોર્ડ વિજેતાઓને પસંદ કરવા માટે સમિતિની રચના કરે છે. આ સમિતિ ખેલાડીઓના નામ પર અંતિમ નિર્ણય કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નિયુક્ત પ્રશાસકોની સમિતિએ સબા કરીમની હાજરીમાં આ ક્રિકેટરોનું નામ અર્જુન એવોર્ડ માટે નક્કી કર્યાં. પૂર્વ ક્રિકેટર સબા કરીમે આ ચારના નામનો પ્રસ્તાવ રાખ્યો. આ ખેલાડીઓએ ગત એક વર્ષમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. 


જસપ્રીત બુમરાહ આ સમયે વનડેમાં નંબર વન બોલર છે. તે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20)માં ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર છે. આગામી મહિને શરૂ થઈ રહેલા વિશ્વ કપમાં તેના પર મોટી જવાબદારી હશે. તેના હાલના સમયમાં ડેથ ઓવરનો વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે. 


મોહમ્મદ શમી હાલના દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. તેણે 2018માં જ્યારે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે, ત્યારથી ટેસ્ટ અને વનડે બંન્ને ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. શમી, બુમરાહ અને ભુવનેશ્વરની ત્રિપુટી આ સમયે વિશ્વની સૌથી ખતરનાક ત્રિપુટી માનવામાં આવી રહી છે. 


ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમને સંતુલન પ્રદાન કરે છે. તે વનડે અને ટેસ્ટ બંન્ને ટીમોમાં ફિટ છે. જાડેજા ટીમ ઈન્ડિયાનો સારો ફીલ્ડર પણ છે. છેલ્લા છ મહિનામાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણે તેને વિશ્વ કપની ટીમમાં તક મળી છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટ ટીમની સભ્ય છે. 27 વર્ષની આ સ્પિન બોલરે ટીમને ઘણી તકે સફળતા અપાવી છે.