નવી દિલ્હીઃ રોહિત સર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વિશ્વકપની ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવી ટ્રોફી કબજે કરી છે. ભારતની આ જીત સાથે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભારતે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. હવે ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન બાદ બીસીસીઆઈે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાનું વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન
બીસીસીઆઈ સચિવ જય શાહે 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની જાહેર કરવાની સાથે એક્સ પર લખ્યું કે- ટીમ ઈન્ડિયાનું ટી20 વિશ્વકપ 2024માં શાનદાર પ્રદર્સન જોવા મળ્યું, ત્યારબાદ બોર્ડ પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરે છે. ટીમે આ ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતવાનું કામ કર્યું. હું આ સિદ્ધિ પર ટીમના બધા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને શુભેચ્છા આપુ છું. 



ભારતે ફાઈનલમાં આફ્રિકાને હરાવ્યું
ભારતીય ટીમે આઈસીસી ટી20 વિશ્વકપના ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. ભારતે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ તો 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી દીધી છે.