હવે ચીફ સિલેક્ટર્સને મળશે એક કરોડ રૂપિયા!
બીસીસીઆઈએ ક્રિકેટરોના પગારમાં વધારો કર્યા બાદ હવે પસંદગીકારો, અમ્પાયર, સ્કોરર સહિતના લોકોનો પગાર બમણો કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ ત્રણ રાષ્ટ્રીય પસંદગીકારના પગાર વધારાની સાથે, અમ્પાયર્સ, સ્કોરર અને વીડિયો વિશ્લેષકોની ફી બમણી કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈની સબા કરીમની અધ્યક્ષતાવાળી ક્રિકેટ ઓપરેશન્સ વિંગે આ નિર્ણય કર્યો છે. સીઓએને પણ લાગે છે કે, ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ એન્ડ કંપનીને તેની સેવાઓનો ફાયદો મળવો જોઈએ.
મહત્વની વાત તે છે કે, બીસીસીઆઈના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી પગાર વધારાના નિર્ણયથી માહિતગાર ન હતા. હાલમાં ચેરમેનને વર્ષના 80 લાખ રૂપિયા, જ્યારે અન્ય બે પસંદગીકારને 60 લાખ રૂપિયા મળી રહ્યાં છે. પગાર વધારવાનો નિર્ણય તે માટે લેવામાં આવ્યો કારણ કે, બહાર કરાયેલા પસંદગીકાર ગગન ખોડા અને જતિન પરાંજપેને પણ એટલું જ વેતન મેળવી રહ્યાં છે, જેટલું દેવાંગ ગાંધી અને સરનદીપ સિંહ.
આશા છે કે હવે ચીફ સિલેક્ટરને આશરે 1 કરોડ રૂપિયા મળશે, જ્યારે બે અન્યને 75 થી 80 લાખ રૂપિયાની નજીક મળશે. બીસીસીઆઈએ છ વર્ષના સમયગાળા બાદ સ્થાનિક મેચ રેફરીઓ, અમ્પાયરો, સ્કોરર અને વીડિયો વિશ્લેષકોની ફી બમણી કરવાનો નિર્ણય લીધો છે. ફી વધારવાની ભલામણો સબા કરીમે 12 એપ્રિલે સીઓએની સાથે બેઠક દરમિયાન આપી હતી. પરંતુ કોષાધ્યક્ષ ચૌધરીને આ નાણાકિય નિર્ણયોથી દૂર રાખવામાં આવ્યા છે.