FIFA વર્લ્ડ કપ: બેલ્જિયમે ઈંગ્લેન્ડને હરાવ્યું, આમ છતાં બંને ટીમો પહોંચી નોટઆઉટમાં
બેલ્જિયમ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગુરુવારે રમાયેલા વર્લ્ડ કપના ગ્રુપ જીના મુકાબલામાં ઈંગ્લેન્ડને 1-0થી હરાવી દીધુ.
મોસ્કો: બેલ્જિયમ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગુરુવારે રમાયેલા વર્લ્ડ કપના ગ્રુપ જીના મુકાબલામાં ઈંગ્લેન્ડને 1-0થી હરાવી દીધુ. આ જીત સાથે જ બેલ્જિયમે ગ્રુપ જીમાં ટોપ પર રહીને નોકઆઉટ માટે ક્વોલિફાય કરી લીધુ છે. ઈંગ્લેન્ડની ટીમ પણ હારવા છતાં અંતિમ 16માં પ્રવેશી છે. ગ્રુપમાંથી ટ્યૂનીશિયા અને પનામાની ટીમો બહાર થઈ ગઈ. ટ્યૂનીશીયાએ અંતિમ ગ્રુપ મુકાબલામાં પનામાને 2-1થી હરાવ્યું.
ઈંગ્લેન્ડનો હવે પછી મુકાબલો કોલંબિયા સાથે થશે. મેચ 3 જૂલાઈના રોજ રમાશે. જ્યારે બેલ્જિયમની ટીમ પ્રી ક્વોર્ટર ફાઈનલમાં 2જી જૂલાઈના રોજ જાપાન સામે રમશે. જીતનારી ટીમો ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશશે જ્યારે હારનારી ટીમોની સફર સમાપ્ત થશે.
બંને ટીમોના કોચને ખબર હતી કે તેમની ટીમો નોકઆઉટમાં પહોંચી ગઈ છે અને તેની અસર ટીમના સિલેક્શન પર જોવા મળી હતી. બેલ્જિયમના સ્ટાર ખેલાડી એડન હેજાર્ડ અને કેવિન ડિ બ્રુયન શરૂઆતના એકાદશનો ભાગ નહતાં. જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પણ મુકાબલો સાઈડ લાઈનથી જોયો. આ ખેલાડીઓ મેદાન પર હોવાથી દર્શકોને ખુબ ખોટ લાગી. તેમણે બંને ટીમો પર ટોણા મારતા રશિયાના નામે સૂત્રોચ્ચાર કર્યા હતાં.