ભુવનેશ્વરઃ બેલ્જીયમની ટીમે ઈતિહાસ રચતા પ્રથમવાર હોકી વિશ્વ કપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ફાઇનલ મેચમાં બેલ્જીયમે નેધરલેન્ડને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. ફુલ ટાઇમ સુધી બંન્ને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ જીત-હારનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટના માધ્યમથી થયો હતો. તેમાં બંન્ને ટીમોનો સ્કોર 2-2 રહ્યો હતો. ત્યારબાદ મેચ સડન ડેથમાં પહોંચ્યો અને અહીં બેલ્જીયમે બાજી મારી લેતા નેધરલેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. 16 વર્ષ બાદ વિશ્વને બેલ્જીયમના રૂપમાં નવો વિશ્વ ચેમ્પિયન મળ્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશ્વકપમાં પ્રથમવાર બેલ્જીયમની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને તેનો સામનો ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી નેધરલેન્ડ સામે હતો. આ મેચમાં બેલ્જીયમના ગોલકીપર વિસેંટ વનાશને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 



ઓલમ્પિકની સિલ્વર મેડલિસ્ટ બેલ્જીયમની ટીમ હવે નવી ચેમ્પિયન બની ગઈ છે, નેધરલેન્ડને સિલ્વર મેડલ મળ્યો છે. તો આજના દિવસે અન્ય મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.