Ben Stokes નિવૃત્તિ બાદ ફરી કરશે વાપસી, ઈંગ્લેન્ડ માટે રમશે વર્લ્ડકપ-2023
ઈંગ્લેન્ડને 2019ના વનડે વિશ્વકપમાં ચેમ્પિયન બનાવનાર બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય પરત લેતા 50 ઓવરના વિશ્વકપમાં ભાગ લેવા માટે તૈયારી કરી લીધી છે.
લંડનઃ વનડે વિશ્વકપ 2023 પહેલા ઈંગ્લિશ ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે બેન સ્ટોક્સ ક્રિકેટના આ મહાકુંભ માટે પોતાની નિવૃત્તિનો નિર્ણય પરત લેવા માટે સહમત થઈ ગયો છે. ડાબા હાથના આ ઓલરાઉન્ડર ખેલાડીએ ઈંગ્લેન્ડને 2019માં પ્રથમવાર ચેમ્પિયન બનાવ્યું હતું. બ્રિટનના મોટા અખબાર ધ ટેલીગ્રાફ અનુસાર સ્ટોક્સ ભારતમાં એકદિવસીય વિશ્વકપ માટે નિવૃત્તિમાંથી વાપસી કરશે. ભલે તે માટે તેણે આઈપીએલ 2024 કેમ ન છોડવી પડે. સ્ટોક્સે પાછલા વર્ષે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી કારણ કે તેના માટે ત્રણેય ફોર્મેટમાં રમવુ મુશ્કેલ થઈ રહ્યું હતું.
આ પહેલા સ્ટોક્સે મોઈન અલીને તાજેતરની એશિઝ શ્રેણી માટે ટેસ્ટ નિવૃત્તિમાંથી પાછા ફરવા માટે રાજી કર્યો હતો. ચાહકોને વર્લ્ડ કપ માટે સ્ટોક્સ પાસેથી કંઈક આવી જ અપેક્ષા હતી. સ્ટોક્સ 2019 ODI વર્લ્ડ કપ પછી માત્ર નવ ODI રમ્યો છે, જેમાં સાધારણ રેકોર્ડ છે. જણાવી દઈએ કે તમામ ટીમોએ 5 સપ્ટેમ્બર સુધીમાં તેમની ટીમની માહિતી ICCને આપવાની રહેશે. 27 સપ્ટેમ્બર સુધી ટીમોમાં ફેરબદલ પણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ અમેરિકાની કુલ વસ્તી કરતા વધારે છે રોનાલ્ડોના ફોલોઅર્સ, જાણો કેવી છે લાઈફ સ્ટાઈલ
બેન સ્ટોક્સના વનડેના આંકડા પર નજર કરીએ તો 32 વર્ષના આ ખેલાડીએ 105 મેચમાં 38.98ની એવરેજ અને 95.08ની સ્ટ્રાઇક રેટથી 2924 રન બનાવ્યા છે. બોલિંગમાં તેના નામે 74 વિકેટ છે. બેન સ્ટોક્સ વર્તમાન સમયમાં બેટની સાથે બોલથી યોગદાન આપનાર એવો ખેલાડી છે, જેને દરેક કેપ્ટન પોતાની ટીમમાં ઈચ્છશે. બેન સ્ટોક્સ ટેસ્ટ ટીમનો કેપ્ટન છે, જ્યારે વનડે ટીમની કમાન જોસ બટલરના હાથમાં છે.
આ વર્ષો સ્ટોક્સને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ દરમિયાન ઘુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે માત્ર બે મેચ રમી શક્યો હતો. એશિઝ ટેસ્ટમાં પણ તેણે માત્ર બે મેચમાં બોલિંગ કરી હતી. તેવામાં જો તે વિશ્વકપ રમશે તો પછી સર્જરીને કારણે આઈપીએલ-2024 ગુમાવશે.
આ પણ વાંચોઃ તિલક વર્માએ પાંચ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube