કેચ ઝડપવાના પ્રયાસમાં માથા પર લાગ્યો બોલ, ઈજાગ્રસ્ત અશોક ડિંડાએ છોડ્યું મેદાન
પશ્ચિમ બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિંડા ઈડન ગાર્ડન પર સોમવારે ટી20 પ્રેક્ટિસ મેચ રમી રહ્યો હતો.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિંડાને ઈડન ગાર્ડન પર સોમવારે ટી20 પ્રેક્સિટ મેચ દરમિયાન પોતાના જ બોલ પર કેચ ઝડપવાના પ્રયાસમાં માથા પર ઈજા થઈ હતી. આ ઘટના તે સમયે બની જ્યારે બેટ્સમેન બીરેન્દ્ર વિવેક સિંહે સ્ટ્રેટ ડ્રાઇવ ફટકારી અને ડિંડાએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. બોલ તેના હાથમાંથી છૂટીને માથા પર લાગ્યો હતો.
બંગાળ ક્રિકેટ સંઘના એક અધિકારીએ જણાવ્યું, ડિંડાએ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતા પહેલા ઓવર પૂરી કરી. સાવચેતીના ભાગ રૂપે તેનો સ્કેન કરાવવામાં આવ્યો છે. ચિંતાની કોઈ વાત નથી, પરંતુ તેને બે દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
બંગાળની ટીમ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં 21 ફેબ્રુઆરીએ કટકમાં મિઝોરમ વિરુદ્ધ પ્રથમ મેચ રમશે.
34 વર્ષીય અશોક ડિંડાએ અત્યાર સુધી 13 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 13 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય ડિંડાએ નવ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 17 વિકેટ ઝડપી છે.
કોલકત્તાના મેદિનીપુરમાં રહેતા રાઇડ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર અશોક ડિંડા ટીમ ઈન્ડિયા સિવાય બંગાળ, દિલ્હી ડેરડેવિલ્સ, ઈસ્ટ ઝોન, ઈન્ડિયા એ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, પુણે વોરિયર્સ, રાઇઝિંગ પુણે સુપર જાઇન્ટ્સ, રોયલ ચેલેન્જર બેંગલુરૂ માટે રમી ચુક્યો છે.