Cricket 2018: વર્ષ દરમિયાન આ ખેલાડીઓએ આપી યાદગાર ક્ષણ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતમાં ક્રિકેટની બોલબાલા રહી. વર્ષ 2018મા આ રમતે ઘણી યાદગાર ક્ષણ આપી. તેવામાં કેટલિક ક્ષણોની અમે અહીં ચર્ચા કરી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ વર્ષ 2018મા ક્રિકેટે રમત પ્રેમિઓને યાદગાર ક્ષણ આપી. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ પોતાના ખાતામાં એશિયા કપની જીત સહિત ઘણી મોટી સિદ્ધિઓ જોડી, તો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકે પોતાના કરિયરનો સુખદ અંત કર્યો. જો એક તરફ કુકના કરિયરનો યાદગાર અંત હતો કો, બીજીતરફ ભારતના યુવા ઓપનર પૃથ્વી શોએ પણ સદી ફટકારીને પોતાના ટેસ્ટ કરિયરનો યાદગાર પ્રારંભ કર્યો. આવા કેટલિક ખાસ ક્ષણો વિશે જાણો...
નિદાહાસ ટ્રોફીઃ કાર્તિકની સિક્સે અપાવી જીત
શ્રીલંકામાં રમાયેલી ત્રિકોણીય ટી20 સિરીઝ નિદાહાસ ટ્રોફીનો આ ફાઇનલ મેચ હતો. ભારતને અંતિમ બોલ પર જીત માટે 5 રનની જરૂર હતી. દિનેશ કાર્તિકે (અણનમ 29 રન, 8 બોલમાં 2 ફોર 3 સિક્સ) સૌમ્ય સરકારના અંતિમ બોલર પર સિક્સ ફટકારી અને ભારતને જીત અપાવી. ડીકેની આ સિક્સે ફેન્સને રોમાંચિત કરી દીધા હતા. તેની સિક્સની મદદથી ભારતે બાંગ્લાદેશને 4 વિકેટે હરાવ્યું હતું.
કુકની રિટાયરમેન્ટ ટેસ્ટમાં સદી
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકનું ફોર્મ આ વર્ષે ખાસ ન રહ્યું. તેવામાં તેણે ભારત વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં નિવૃતીની જાહેરાત કરી. ઓવલ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 71 રન બનાવ્યા બાદ તે બીજી ઈનિંગમાં અંતિમવાર મેદાન પર ઉતર્યો અને તેણે સદી ફટકારીને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો યાદગાર અંત કર્યો હતો. આ ઈનિંગમાં કુક 147 રન બનાવી આઉટ થયો હતો. આ સિદ્ધિની સાથે તે પોતાના કરિયરના પહેલા અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો. આ સંયોગની વાત છે કે, તેના કરિયરની પ્રથમ અને અંતિમ સદી પણ ભારત સામે હતી. આ તેના કરિયરની 33મી સદી હતી.
ભારતની એશિયા કપ જીત
એશિયા કપના ફાઇનલમાં ભારતની સામે બાંગ્લાદેશ હતું. આ લો સ્કોરિંગ મેચમાં ભારતની સામે નબળી ગણાતી બાંગ્લાદેશી ટીમે શાનદાર રમત રમી. 223 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાને સાતમી વાર ટાઇટલ જીતવા માટે 6 બોલમાં 6 રનની જરૂર હતી. ભારતે અંતિમ બોલ પર 1 રન દોડીને આ રોમાંચક મેચમાં ત્રણ વિકેટે જીત મેળવી હતી.
ભારત માટે સૌથી વધુ મેચ રમનાર બીજો ખેલાડી ધોની
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે ઉતર્યો ત્યારે તેના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ હતી. તે ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર બીજો ખેલાડી છે. ધોનીનો આ 505મો આંતરરાષ્ટ્રીય મેચ હતો. તેણે રાહુલ દ્રવિડ (504)ને પાછળ છોડી આ મુકામ હાસિલ કર્યો હતો. આ યાદીમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પ્રથમ સ્થાન પર છે. સચિને ભારત માટે 664 મેચ રમી છે.
આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ રન વિરાટના નામે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની શાનદાર લય આ વર્ષે પણ યથાવત રાખી અને તેણે અત્યાર સુધી રમાયેલા 12 ટેસ્ટની 22 ઈનિંગમાં 1240 રન બનાવી લીધા છે. કોહલીએ આ વર્ષે 56.36ની એવરેજથી રન બનાવ્યા છે અને હજુ એક ટેસ્ટ મેચ રમવાની બાકી છે. કોહલી બાદ આ યાદીમાં જો રૂટનું નામ છે. તેણે 13 ટેસ્ટની 24 ઈનિગંમાં 41.21ની એવરેજની સાથે 948 રન બનાવ્યા છે.
અફગાનિસ્તાન, આયર્લેન્ડ પણ ટેસ્ટ નેશન કંટ્રી
આ વર્ષે આયર્લેન્ડ અને અફગાનિસ્તાનની ટીમોએ પોત-પોતાની પ્રથમ ટેસ્ટ રમી. હવે ટેસ્ટ રમનારા દેશોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. આયર્લેન્ડે પોતાનો પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન વિરુદ્ધ રમ્યો, તો અફગાનિસ્તાને પોતાના ટેસ્ટ સફરની શરૂઆત ભારત વિરુદ્ધ રમીને કરી હતી.
પૃથ્વી શોની પર્દાપણ મેચમાં સદી
રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ ટેસ્ટ પર્દાપણ મેચમાં સદી ફટકારી દીધી. 18 વર્ષનો શો ટેસ્ટ પર્દાપણમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ક્રિકેટર પણ બન્યો. તેણે 134 રન ફટકાર્યા જેમાં 154 બોલનો સામનો કર્યો અને 19 ચોગ્ગા ફટકાર્યા હતા.