પંતની સિક્સથી મેચ હારી ટીમ ઈન્ડિયા, પૂર્વ ક્રિકેટરે કર્યો ચિન્નાસ્વામીના ચક્રવ્યૂહનો ખુલાસો
India vs New Zealand 1st Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાની હાર પર વિવિધ વિશ્લેષણો થઈ રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર સબા કરીમે એક અનોખો પક્ષ રજૂ કર્યો છે.
બેંગલુરૂઃ ભારતીય ટીમની હારની ચારેતરફ સમીક્ષા થઈ રહી છે. કેટલાક લોકો ખરાબ બેટિંગને દોષ આપી રહ્યાં છે તો કેટલાક લોકો કેપ્ટન રોહિત શર્માને દોષી માની રહ્યાં છે. પરંતુ આ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સબા કરીમનું માનવું છે કે ઋષભ પંતના બેટથી નિકળેલી સિક્સે મેચનું પાસું પલટી નાખ્યું હતું. હવે તમે પણ વિચારી રહ્યાં હશો કે આખરે સબા કરીમે આ નિવેદન કેમ આપ્યું અને તેની પાછળ શું કહાની છે. કઈ રીતે ભારતીય ટીમે બીજી ઈનિંગમાં માત્ર 54 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
હકીકતમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે જ્યારે બીજો નવો બોલ લીધો તો ભારત માટે પંત અને સરફરાઝ ખાન એક મોટી ભાગીદારી કરી આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યાં હતા. બીજો નવો બોલ સ્વિંગ તો થઈ રહ્યો હતો સાથે રન પણ બની રહ્યાં હતા. 87મી ઓવરના ત્રીજા બોલ પર પંતે સ્લોગ સ્વીપ કરતા સિક્સ ફટકારી હતી. સિક્સ એટલી લાંબી હતી કે બોલ મેદાનની બહાર જતો રહ્યો હતો. બોલ બહાર ગયો તો કીવી ટીમને મેચમાં પરત આવવાની તક મળી હતી.
આ પણ વાંચોઃ 'ઇન્ટરનેશનલ ક્રશ' એ મચાવી હલચલ...T20 વર્લ્ડ કપમાં પોતાની ટીમને બનાવી ચેમ્પિયન
બોલ બદલાયો અને હારી ગઈ ટીમ ઈન્ડિયા
ત્યારબાદ અમ્પાયર નવા બોલનો ડબ્બો લઈને મેદાનમાં પહોંચ્યા અને ત્યારે સાઉદીએ બોક્સમાંથી કાઢેલા બોલે ટીમ ઈન્ડિયાની કમર તોડી દીધી હતી. બદલાયેલા બોલથી વધુ કરામત જોવા મળી અને જે પિચ પહેલા સપાટ લાગી રહી હતી ત્યાં હલચલ જોવા મળી. આ નવા બોલથી ન્યૂઝીલેન્ડને મદદ મળી અને ભારતીય ટીમે એક બાદ એક વિકેટ ગુમાવી હતી. આ બોલથી ભારતના 6 બેટરો આઉટ થયાં અને ટીમ માત્ર 54 રન બનાવી શકી હતી.
આઈપીએલ મેચમાં પણ બદલાયેલા બોલે કર્યો હતો કમાલ
પૂર્વ ક્રિકેટર સબા કરીમે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે આ વર્ષે ચિન્નાસ્વામીના મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આરસીબી મેચમાં પણ આ જોવા મળ્યું હતું. 219 રનના લક્ષ્યનો પીછો કરતાં ચેન્નઈને જીત માટે અંતિમ ઓવરમાં 17 રન બનાવવાના હતા અને ત્યારે ધોની ક્રીઝ પર હતો. 20મી ઓવર ફેંકવા આવેલા યશ દયાલના પ્રથમ બોલ પર ધોનીએ સિક્સ ફટકારી હતી. આ સિક્સ એટલી લાંબી હતી કે બોલ મેદાનની બહાર પહોંચી ગયો. ત્યારબાદ બોલ બદલવામાં આવ્યો અને ધોની આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો પરાજય થયો હતો.