Birthday Special: ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર
સોમવારે પોતાનો જન્મદિવસ મનાવી રહેલી મિતાલી રાજને સૌથી વધુ તે બેવડી સદી માટે ઓળખવામાં આવે છે, જે મહિલા ક્રિકેટમાં સૌથી પ્રથમ હતી.
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહત્વની ખેલાડી અને વનડે કેપ્ટન મિતાલી રાજ સોમવારે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસોમાં પોતાના કોચની સાથે વિવાદને કારણે ચર્ચામાં રહેલી મિતાલીના નામે એક એવો રેકોર્ડ પણ છે, જેમાં તે પુરૂષ ક્રિકેટરો કરતા પણ આગળ છે. 3 ડિસેમ્બર રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી મિતાલીએ ટેસ્ટ અને વનડેમાં વિશ્વની સૌથી વિશ્વાસ પાત્ર બેટ્સમેનના રૂપમાં ઓળખાય છે.
મિતાલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે વિશ્વકપના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ટીમ ફાઇનલમાં હારી ગઈ હતી. પરંતુ મિતાલીની ટીમના પ્રદર્શને મહિલા ક્રિકેટની લોકપ્રિયતાને અલગ ઓળખ અપાવી હતી. તેને જ મિતાલી તે વિશ્વકપની સૌથી મોટી સફળતા માને છે. મિતાલીનું 2003મા અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
ક્લાસિકલ ડાન્સર પણ છે મિતાલી
મિતાલીનો જન્મ એક તમિલ પરિવારમાં થયો હતો. પિતા એરફોર્સમાં અધિકારી રહ્યાં છે. તેણે બાળપણમાં ક્લાસિકલ ડાન્સ પણ શિખવાનું શરૂ કર્યું હતું. તે પણ કહે છે કે, હું ક્રિકેટર બનવા માંગતી નહતી. આ તેણે તેમની માતાને પણ કરી હતી, પરંતુ નિયતીને તેનું ક્રિકેટર બનવાનું મંજૂર હતું.
10 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટમાં થઈ સક્રિય
મિતાલીએ ક્રિકેટનું કોચિંગ હૈદરાબાદમાં મેળવ્યું હતું. મિતાલીએ 10 વર્ષની ઉંમરથી ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે તે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થઈ ગઈ હતી. 1999માં પોતાના પ્રથમ વનડે મેચમાં આયર્લેન્ડ વિરુદ્ધ તેણે અણનમ 114 રન ફટકાર્યા હતા. 19 વર્ષની ઉંમરમાં મિતાલીએ ટોન્ટનના મેદાનમાં ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. તે દેશમાં રેલવેની ટીમનું પ્રતિનિધિત્વ કર છે.
બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા
મિતાલી રાજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારેલા 214 રનનો સ્કોર મહિલા ટેસ્ટ ઈતિહાસનો બીજો સર્વાધિક સ્કોર છે. એક ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનની કિરન બલોચના નામે છે. તેણે વિન્ડિઝ વિરુદ્ધ 242 રન બનાવ્યા હતા. મિતાલી આ સમયે આઈસીસી રેન્કિંગમાં વિશ્વની નંબર ત્રણ ખેલાડી છે. તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 2003માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ જીતી હતી.
આ શાનદાર રેકોર્ડ છે ટેસ્ટ અને વનડેમાં મિતાલીનો
મિતાલી વિશ્વમાં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 6000થી વધુ રન બનાવ્યા છે. વર્ષ 2002માં તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તે ટેસ્ટ મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. મિતાલી રાજે કુલ 10 ટેસ્ટ મેચોમાં 51ની એવરેજથી 663 રન બનાવ્યા છે. તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 214 રન છે. કુલ 197 વનડેમાં મિતાલીએ 6550 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 125 છે. તેણે 7 સદી અને 51 અડધી સદી ફટકારી છે.
ટી20મા પણ છે ખાસ રેકોર્ડ
મિતાલીનો ટી20 મેચોમાં પણ શાનદાર રેકોર્ડ છે, પરંતુ તે ધીમી બેટિંગ કરવાને કારણે વિવાદોમાં છે. તેને આ વાતને લઈને આઈસીસી ટી20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળી અને તેના પર ખૂબ વિવાદ થયો હતો. પોતાના 85 ટી20 મેચોમાં 37.42ની એવરેજથી મિતાલીએ 2283 રનબ બનાવ્યા છે. મિતાલી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિશ્વભરના પુરૂષ ક્રિકેટરોથી આગળ છે.
આળસ છોડાવવા પિતાએ આપ્યું ક્રિકેટ બેટ
મિતાલી બાળપણમાં આળસુ હતી. પિતા ઈચ્છતા હતા કે પુત્રી એક્ટિવ બને. જેથી તેમણે ક્રિકેટ રમવા કહ્યું. 10 વર્ષની ઉંમરમાં મિતાલીએ ક્લાસિકલ ડાન્સ થોડીને બેટ પકડી લીધું અને મેદાન પર જવા લાગી. ક્રિકેટમાં સફળતા બાદ મિતાલીની ગ્લેમર વર્લ્ડમાં પણ ખૂબ બોલબાલા છે. તે ઘણા ટીવી શોમાં ભાગ લઈ ચુકી છે.
વર્લ્ડ કપના ફાઇનલમાં જગ્યા બનાવનાર ટીમ ઈન્ડિયાની કેપ્ટન મિતાલી રાજને 'વોગ વૂમન ઓફ યર એવોર્ડ્સ'ના કવર પેજ પર શાહરૂખ ખાન અને નીતા અંબાણીની જાથે જગ્યા મળી છે.