ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ જોવા મળ્યું નથી. પર્થ ટેસ્ટ મેચની બીજી ઈનિંગને બાદ કરતા ભારતીય બેટર્સ કશું ઉકાળી શક્યા નથી. એડિલેડ મેચની બંને ઈનિંગ્સમાં તેમની હાલત ખરાબ જોવા મળી અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો. હવે બ્રિસ્બેન ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ ત્રીજા દિવસના ટી ટાઈમ સુધીમાં તો ભારતની ચાર વિકેટ પડી ગઈ અને સ્કોર 48 પર હતો. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકરે આકરા પ્રહાર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશસ્વી, ગિલ, વિરાટ, પંત ફેલ
માંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે. ફિલ્ડિંગ કોચની જવાબદારી ટી દિલીપે સંભાળેલી છે. જ્યારે રાહુલ દ્રવિડના કાર્યકાળમાં પણ તેઓ આ પદે હતા. તેમણે ભારતીય ટીમમાં બેટિંગ કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી અને ઋષભ પંત સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ઋષભ પંત 9, યશસ્વી જયસ્વાલ 4, વિરાટ કોહલી 3 અને શુભમન ગિલ 1 રન કરીને આઉટ થઈ ગયા હતા. 


બેટિંગ કોચ પર સવાલ
માંજરેકરે ભારતીય સ્ટાફમાં બેટિંગ કોચની ભૂમિકા વિશે સવાલ કર્યો છે. પૂર્વ ખેલાડીએ કહ્યું કે ભારતીય બેટિંગમાં પ્રમુખ ટેક્નિકલ મુદ્દા ઘણા લાંબા સમયથી વણઉકેલાયેલા છે અને આ માટે મેનેજમેન્ટે જવાબદાર હોવાની જરૂરિયાત છે. તેમણે એક્સ પર લખ્યું કે મને લાગે છે કે ભારતીય ટીમમાં બેટિંગ કોચની ભૂમિકાની તપાસ કરવાનો સમય આવી ગયો છે. કેટલાક ભારતીય બેટર્સની સાથે પ્રમુખ ટેક્નિકલ મુદ્દા આટલા લાંબા સમય સુધી વણઉકેલાયેલા કેમ છે?



ચાર ઈનિંગમાં ફક્ત 1 વાર 200 પાર
હાલના પ્રવાસમાં ભારતીય બેટિંગની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. પર્થમાં બીજી ઇનિંગને બાદ કરતા ટીમ ઈન્ડિયા 200 રનનો આંકડો પાર કરી શકી નથી. ચાર ઈનિંગમાં ભારતે અત્યાર સુધીમાં 150, 487/6, 180 અને 175 રન કર્યા છે. તેનાથી તેમની ટેક્નિકલ ખામીઓ સામે આવી છે. વિરાટ, યશસ્વી, ગિલ અને પંતના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. 


ત્રીજા દિવસનો ખેલ ખતમ
આજે ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારત 4 વિકેટ ગુમાવીને 51 રન પર હતું. જ્યારે તે પહેલા ઓસ્ટ્રેલિયા 445 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. હાલ ભારત હજુ પણ 394 રન પાછળ છે.  કે એલ રાહુલ 33 રન અને રોહિત શર્મા શૂન્ય રને રમતમાં છે. આજે વરસાદે વિધ્ન પાડ્યું.