આજથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે. સિરીઝની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના કરી રહ્યા છે. પર્થ ટેસ્ટમાં અનેક યુવા ખેલાડીઓ પર કોચ ગૌતમ ગંભીર અને સિલેક્ટર્સે ભરોસો જતાવ્યો છે. જેના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ વખતે દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવાયા નહીં. જે ફેન્સને ખુબ સ્તબ્ધ કરનારો નિર્ણય જોવા મળી રહ્યો છે. પર્થ ટેસ્ટના પહેલા દિવસે જે રીતે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ભોપાળું વાળ્યું તે જોતા ફેન્સને ચેતેશ્વર પૂજારાની કમી સતાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી ઈનિંગમાં નિરાશાજનક પ્રદર્શન
ટોસ જીતીને ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. પરંતુ આખી ટીમ 150 રન પર પેલેવિયન ભેગી થઈ ગઈ. અત્રે જણાવવાનું કે ભારતીય ટીમે ગત બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે જ હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ મહાસિરીઝમાં કુલ પાંચ મેચ રમાશે. આ મેચમાં નીતિશકુમાર રેડ્ડી, હર્ષિત રાણાનું ટેસ્ટ ડેબ્યુ થયું. મેચ શરૂ થતા જ ભારતને યશસ્વી જયસ્વાલ શૂન્ય રને આઉટ થઈ જતા ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ તો વિકેટ ટકવાનું નામ જ નહતી લેતી. જોશ હેઝલવુડે 29 રન આપીને 4 વિકેટ લીધી જ્યારે મિશેલ સ્ટાર્ક, પેટ કયુમિન્સ, માર્શે 2-2 વિકેટ લીધી. ભારત તરફથી સૌથી વધુ રન નીતિશકુમાર રેડ્ડીએ 59 બોલમાં 41 રન કર્યા. જ્યારે ઋષભ  પંતે 78 બોલમાં 37 રન કર્યા. જયસ્વાલ ઉપરાંત દેવદત્ત પડિક્કલ શૂન્ય રને આઉટ થયા. વિરાટ કોહલી 5 રન,  કે એલ રાહુલ 26 રન, વોશિંગ્ટન સુંદર 4 રન, હર્ષિત રાણા 7 રન, બુમરાહ 8 રન કરીને આઉટ થયા. આખી ટીમ 49.4 ઓવરમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. 



યુવા ટીમ ઈન્ડિયાની ઉડી મજાક
પર્થ ટેસ્ટમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વગેરે રમી રહ્યા નથી. આ વખતે સિલેક્ટર્સે ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં પસંદ કર્યા છે. જો કે ફેન્સનું માનવું હતું કે ચેતેશ્વર પૂજારાને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં લેવો જોઈતો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પૂજારાનો રેકોર્ડ ખુબ શાનદાર રહ્યો છે. 



ગત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારા ટીમ ઈન્ડિયાનો  ભાગ હતા અને તેમણે કમાલનું પ્રદર્શન પણ કર્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાએ વિરાટ કોહલી કરતા વધુ રન કર્યા છે. તેમના નામે બીજીટીમાં 2074 રન નોંધાયેલા છે. જેમાં 11 અડધી સદી અને 5 સદી સામેલ છે. હવે પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના હાલ હવાલ જોઈને સોશિયલ મીડિયા પર ખુબ મજાક થઈ રહી છે.