Cheteshwar Pujara, India vs Australia: ઓસ્ટ્રેલિયાા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-2થી ટીમ ઈન્ડિયા પાછળ થઈ ગઈ છે. સિડનીમાં હવે 3જી જાન્યુઆરીથી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. સિરીઝને બચાવવા માટે આ મેચમાં કોઈ પણ સંજોગોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવવી પડશે. આ ટેસ્ટ પહેલા એક સમાચાર એવા આવ્યા છે કે જેણે બધાને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમમાં ચેતેશ્વર પૂજારાને સામેલ ન કરવા અંગે અત્યાર સુધી જે પણ સવાલ ઉઠી રહ્યા છે તે મામલે મોટા અપડેટ આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીરે કરી હતી પૂજારાની માંગણી
ભારતના બેટર્સના નિરાશાજનક પ્રદર્શન બાદ રિપોર્ટ્સથી જાણવા મળે છે કે કોચ ગૌતમ ગંભીરે અનુભવી બેટર ચેતેશ્વર પૂજારાની વાપસીની માંગણી કરી હતી. પૂજારાએ છેલ્લા બે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતની સિરીઝ જીતમાં નિર્ણાયક  ભૂમિકા ભજવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ગંભીર ઈચ્છતા હતા કે પૂજારા ટેસ્ટ ટીમમાં પાછા ફરે. પરંતુ પસંદગીકારોએ આ વાત ફગાવી દીધી. 


અજીત અગરકરની પસંદગી સમિતિએ ના પાડી
પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત બાદથી જ ગંભીર પોતાની ટીમમાં પૂજારાને ઈચ્છતા હતા. તેમની માંગણીને અજીત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ સ્વીકારી નહીં. આમ છતાં ગંભીરે તેમને ટીમમાં લાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો. રાજકોટના બેટર પૂજારા ફર્સ્ટ ક્લાસમાં સૌરાષ્ટ્ર માટે રમે છે. તેઓ છેલ્લી વખત ટીમ ઈન્ડિયા માટે 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યા હતા. 


પૂજારાનો જબરદસ્ત રેકોર્ડ
36 વર્ષના પૂજારાએ છેલ્લા બે પ્રવાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ 2018ના પ્રવાસમાં સાત ઈનિંગમાં સૌથી વધુ 521 રન કર્યા હતા.  તેમણે 2020/21 ના પ્રવાસમાં પણ 271 રન કર્યા હતા. પૂજારા ગાબા ટેસ્ટમાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. અહીં તેમણે ભારતને જીત અપાવવા માટે 211 બોલનો સામનો કર્યો હતો. રક્ષાત્મક વલણ અપનાવરા પૂજારા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયન બોલર્સ માટે પરેશાની સાબિત થયેલા છે. અનુભવી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે અગાઉ મીડિયા સાથે વાતચીતમાં એ વાત પર ખુશી પણ વ્યક્ત કરી હતી કે તેમને પૂજારા વિરુદ્ધ રમવાની તક મળી નહીં. 


ત્રણ પ્રયોગ અને ત્રણેય ફેલ
હાલના પ્રવાસમાં જોવા મળ્યું છે કે કોઈ પણ બેટર પૂજારાની જેમ ટકીની રમી શક્યો નથી. ત્રીજા  ક્રમ પર તો ત્રણ બેટરને અજમાવવામાં આવ્યા. પહેલી ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલ આ ક્રમ પર ઉતર્યા હતા અને બંને ઈનિંગમાં ફેલ ગયો હતો. ત્યારબાદ શુભમન ગિલે આ નંબર પર નિરાશાજનક પ્રદર્શન કર્યું. મેલબર્ન ટેસ્ટમાં ગિલને બહાર કરવામાં આવ્યો તો કે એલ રાહુલને ત્રીજા  ક્રમે રમવાની તક મળી અને તે પણ ફેલ ગયો. ટેસ્ટમાં સૌથી મહત્વના ક્રમ પર સતત પ્રયોગે મુશ્કેલીઓ નોતરી. ભારતીય ક્રિકેટ ફેન્સને આ વખતે પૂજારાની કમી ખુબ સતાવી રહી છે.