ક્યારે સુધરશે? બીજી ઈનિંગમાં પણ ધબડકો, બેટર્સના ફ્લોપ શોના કારણે મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખુબ મુશ્કેલીભર્યો જોવા મળી રહ્યો છે. બેટર્સની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે. છેલ્લી મેચમાં પણ બેટર્સના ફ્લોપ શોના કારણે હવે ટીમ ઈન્ડિયા હારવાની કગારે આવી ગઈ છે. બીજા દિવસે બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 6 વિકેટના ભોગે 141 રન થયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂ થઈ અને મેચનો બીજો દિવસ અત્યંત રોમાંચક રહ્યો. જો કે બીજી ઈનિંગમાં ભારતની હાલત નબળી જોવા મળી રહી છે. આજના દિવસે કુલ 15 વિકેટો પડી અને 300થી વધુ રન થયા. બધુ મળીને બીજો દિવસ બોલરોના નામ પર રહ્યો અને બેટ્સમેન રન કરવા માટે ઝઝૂમતા જોવા મળ્યા. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 141 રન થયો છે. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર ક્રિસ પર ટકેલા છે. ભારતની કુલ લીડ 145 રનની થઈ ચૂકી છે.
બીજી ઈનિંગમાં ભારતનો ધબડકો
ભારતે બીજી ઈનિંગની શરૂઆત તો જોરદાર કરી. યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 16 રન ફટકાર્યા. પરંતુ ત્યારબાદ ભારતને કે એલ રાહુલની વિકેટ પડતા ઝટકો લાગ્યો. જેને સ્કોટ બોલેન્ડે બોલ્ડ કર્યો. પહેલી વિકેટ માટે રાહુલ અને યશસ્વી વચ્ચે 45 બોલમાં 42 રનની પાર્ટનરશીપ થઈ હતી. રાહુલના આઉટ થયા બાદ 22 રને યશસ્વી પણ બોલેન્ડનો શિકાર બન્યો. વિરાટ કોહલી આ વખતે પણ નિષ્ફળ ગયો અને ફરીથી ઓફ સ્ટમ્પથી બહારના બોલ પર આઉટ થયો. ગિલ પણ કઈ ઉકાળી શક્યો નહીં અન 13 રન કરીને બ્લ્યુ વેબસ્ટરની બોલિંગમાં વિકેટ પાછળ ઝેલાઈ ગયો. ઋષભ પંતે ઈનિંગ સંભાળવાનો ટ્રાય કર્યો અને ફક્ત 29બોલમાં 50 રન પણ પૂરા કર્યા હતા. પંતની તોફાની ઈનિંગનો અંત પેટ કમિન્સે કર્યો. પંત 33 બોલમાં 61 રન કરીને આઉટ થયો. નીતિશ રેડ્ડી આ મેચમાં ફરીથી ફેલ ગયો. હાલ ભારતનો સ્કોર 6 વિકેટે 141 રન છે. મેચનું પરિણામ આવશે તે નક્કી છે.
પહેલી ઈનિંગમા ભારત, ઓસ્ટ્રેલિયા બંને ગગડ્યા
આ મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યુ પરંતુ ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી અને 185 રનમાં સમેટાઈ ગઈ. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ પણ કઈક એવી જ રહી. ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું. નોંધનીય છે કે પર્થની ટેસ્ટ મેચ ભારત જીતવામાં સફળ રહ્યું હતું જે તેણે 295 રનથી જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 10 વિકેટથી જીત્યું, બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થઈ હતી.
બુમરાહ રમશે કે નહીં?
જસપ્રીત બુમરાહ આ મેચમાં હાલ મેદાનમાંથી બહાર છે. આજે બુમરાહે સ્કેન માટે હોસ્પિટલ જવું પડ્યું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટન છે. પરંતુ તે ઈજાગ્રસ્ત થયો છે. તેની જગ્યાએ વિરાટ કોહલીએ કમાન સંભાળી છે.