નવી દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર સિમરનજીત કૌર (64 કિલો), મોનિકા (48 કિલો) અને ભાગ્યવતી કચારી (81 કિલો)એ તુર્કીના ઇંસ્તાબુલમાં અહમત કોમર્ટ ટૂર્નામેન્ટમાં પોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નેશનલ ચેમ્પિયનશિપની પૂર્વ મેડાલિસ્ટ સિમરનજીતે તુર્કીની સેમા કાલિસ્કનને હરાવીને મેડલ પોતાના નામે કર્યો છે. આ સિવાય હરિયાણાની 28 વર્ષીય પિંકી જાંગડા પણ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઇટ ફ્લાઇવેટ વર્ગમાં પડકાર આપી રહેલી મોનિકાએ તુર્કીની આયસે કેગિરરને હરાવીને ગોલ્ડ જીત્યો તો ભાગ્યવતીએ યજમાન દેશની સલમાન કારાકોયુનને લાઇટ હેવીવેટ વર્ગમાં પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ બ્રોન્ઝ મેડાલિસ્ટ 28 વર્ષની બોક્સર પિંકી જાંગડાનો સ્થાનિક દાવેદાર બુસેનાજ સાકિરોગ્લુ વિરુદ્ધ પરાજય થયો હતો. તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. 


વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ સોનિયા લાઠેર (57 કિલો)માં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી હતી. ભારતની ભાગ્યવતીને ટૂર્નામેન્ટની મોસ્ટ સાઇન્ટિફિક બોક્સર પસંદ કરવામાં આવી હતી.