FIFA WORLD CUP 2018: મેદાન પર જેટલી વાર પડશે નેમાર, એટલીવાર ફેન્સને મળશે ફ્રી દારૂ
વિશ્વનો સૌથી મોંઘા ફુટબોલર નેમાર વિશ્વકપમાં અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
રિયો ડિ જેનેરિયોઃ વિશ્વનો સૌથી મોંઘા ફુટબોલર નેમાર વિશ્વકપમાં અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી અને મેદાનમાં જરૂર કરતા વધુ ડાઇવ મારવા પર તેની મજાક પણ બની રહી છે. રિયો ડિ જેનેરિયોના એક બારે બુધવારે બ્રાઝીલ અને સર્બિયા વચ્ચે યોજાનારા મહત્વના મેચ દરમિયાન ફુટબોલ પ્રશંસકોને નેમારની દરેક ડાઇવ પર ફ્રી શોટ (દારૂ) આપવાની જાહેરાત કરી છે.
ઉત્તરી રિયોના સર વાલ્ટર પબે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, નેમાર જ્યારે મેદાન પર પડશે, બારમાં તમામને ફ્રી શોટ મળશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 600થી વધુ વખત શેર કરવામાં આવી છે. આ પોસ્ટની સાથે મેચનો દિવસ અને સમયની સાથે નેમારનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.
બ્રાઝીલ અને કોસ્ટારિકા વચ્ચે શુક્રવારે રમાયેલા મેચમાં ફિલિપ કોટિન્હો અને નેમારે અંતિમ 6 મિનિટની અંદર ગોલ કરીને પોતાની ટીમને 2-0થી જીત અપાવી હતી. આ સાથે પાંચ વખતની વિશ્વ વિજેતા બ્રાઝીલની ફીફા વિશ્વકપ 2018ના આગામી રાઉન્ડમાં પહોંચવાની આશાને પાંખ લાગી ગઈ હતી.
આ જીતથી બ્રાઝીલ ગ્રુપ ઈમાં બે મેચોમાં ચાર અંક લઈને ટોપ પર છે, જ્યારે કોસ્ટા રિકાનો બંન્ને મેચમાં પરાજય થયો છે. બ્રાઝીલ પોતાનો અંતિમ ગ્રુપ મેચ 27 જૂને સર્બિયા વિરુદ્ધ રમશે.