ફીફા વર્લ્ડ કપઃ નેમારનું શાનદાર પ્રદર્શન, બ્રાઝીલ મેક્સિકોને 2-0થી હરાવીને ક્વાર્ટરમાં
ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝીલની ટક્કર બેલ્જિયમ અને જાપાનની વિજેતા ટીમ સામે થશે.
સમારા (રૂસ): પાંચ વખતની ચેમ્પિયન ટીમ બ્રાઝીલે સ્ટાર પ્લેયર નેમારના શાનદાર પ્રદર્શનની મદદથી મેક્સિકોને 2-0થી હરાવીને ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. મંગળવારે સમારામાં રમાયેલી મેચમાં નેમારે હાફ ટાઇમ બાદ ગોલ કરીને બ્રાઝીલને લીડ અપાવી અને અંતિમ સમયની બે મિનિટ પહેલા ફિર્મિનોને ગોલ કરવામાં મદદ કરી.
બ્રાઝીલે શરૂઆતથી જ મેચમાં દબદબો બનાવવાનો પ્રયત્ન કર્યો અને કેટલિક તક પણ મળી પરંતુ મેક્સિકોના શાનદાર ડિફેન્સ સામે ટીમને સફળતા ન મળી. હાફ ટાઇમ સુધી સ્કોર 0-0 પર રહ્યો હતો. બીજા હાફમાં બ્રાઝીલે ઝડપી શરૂઆત કરી અને નેમારે પોતાનો જલવો દેખાડ્યો. તેણે 51મી મિનિટે ગોલ કરીને બ્રાઝીલના પક્ષમાં સ્કોર 1-0 કરી દીધો.
અંતિમ સમયના 2 મિનિટ પહેલા નેમારે ફરી એકવાર પ્રયાસ કર્યો અને ફિર્મિનોને શાનદાર પાસ આપ્યો જેના પર તેણે કોઈ ભૂલ ન કરતા પોતાની ટીમનો સ્કોર 2-0 કરી દીધો. મેક્સિકોની ટીમ આ પહેલા 1986 ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ટીમનું સપનું પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તૂટી ગયું.
આવી રહી સફર
ગ્રુપ સ્ટેજમાં બ્રાઝીલની ટીમ કમાલનું પ્રદર્શન કર્યું હતું અને ટીમે એકપણ મેચ ન ગુમાવી. તેણે સ્વિટ્ઝરલેન્ડ વિરુદ્ધ 1-1થી ડ્રો રમ્યા બાદ કોસ્ટા રિકાને 2-0 અને સર્બિયાને 2-0થી હરાવીને અંતિમ-16માં પ્રવેશ કર્યો હતો. મેક્સિકોને ગ્રુપ સ્ટેજમાં એક મેચમાં હાર મળી અને બેમાં જીત મળી હતી. મેક્સિકોએ જર્મનીને 1-0થી અને કોરિયાને 2-1થી હરાવ્યું હતું પરંતુ સ્વીડન સામે તેનો 0-3થી પરાજય થયો હતો.