લંડનઃ યૂરો કપ-2020ની રોમાંચક ફાઇનલમાં ઇટલીએ પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને 3-2થી હરાવી ટ્રોફી કબજે કરી લીધી છે. આ સાથે ઈંગ્લેન્ડની ટીમનું યૂરો કપ જીતવાનું સપનું રોળાયું છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમવાર આ પ્રતિષ્ઠિત યુરોપિયન કપની ફાઇનલમાં પહોંચી હતી. મેચની પ્રથમ 90 મિનિટ બાદ બંને ટીમનો સ્કોર 1-1થી બરોબર રહ્યો હતો. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઇમ બાદ પણ બંને ટીમનો સ્કોર બરોબર રહેતા મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચ્યું હતું. જેમાં ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ પેનલ્ટી ચુકી ગયા હતા. આ મેચ ઈંગ્લેન્ડના વેમ્બલે સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ઇટલીની ટીમ 53 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેનલ્ટી શૂટઆઉટનો રોમાંચ
પેનલ્ટી શૂટ આઉટમાં ઇટલીએ પાંચમાંથી ત્રણ બોલને ગોલ પોસ્ટની યાત્રા કરાવી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર બે ગોલ કરવામાં સફળ રહી. ઈંગ્લેન્ડના ત્રણ યુવા ખેલાડી પેનલ્ટી ચુકી ગયા છે. ઈંગ્લેન્ડના કોચ ગેરેથ સાઉથગેટ માટે આ હાર દિલ તોડનારી છે. 


ઈંગ્લેન્ડે બીજી મિનિટે કર્યો હતો ગોલ
ઈંગ્લેન્ડની ટીમે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. મેચની બીજી મિનિટે ઈંગ્લેન્ડના લ્યૂક શોએ ગોલ કરી ઈંગ્લેન્ડને લીડ અપાવી હતી. પ્રથમ હાફ સમયે ઈંગ્લેન્ડની ટીમ 1-0થી આગળ હતી. પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડની ટીમ આક્રમક તો ઇટલીની ટીમ ડિફેન્સિવ જોવા મળી હતી. 


ઇટલીએ 67મી મિનિટે કર્યો ગોલ
ઇટલીની ટીમે બીજા હાફમાં પોતાની રણનીતિ બદલી હતી. બીજા હાફમાં ઇટલીની ટીમ બોલ પર પઝેશન જાળવી રાખ્યું અને એટેક કર્યા હતા. ઇટલીની ટીમને 67મી મિનિટે ગોલ બરાબર કરવાની તક મળી હતી. ઇટલીના અનુભવી ડિફેન્ડર લિયોનાર્ડો બોનુચીએ મેચની 67મી મિનિટે ગોલ કરી ટીમની વાપસી કરાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube