T20 WC 2022 : ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપ માટે ટીમ કરી જાહેર, આ બે સ્ટાર ખેલાડીઓ બહાર
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં જેસન રોય અને જોફ્રા આર્ચરને તક મળી નથી.
લંડનઃ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થનાર આગામી આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ 2022 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને જગ્યા મળી નથી. તે ઈજાને કારણે ઘણા લાંબા સમયથી બહાર છે. પોતાની રાષ્ટ્રીય ટીમ અને ધ હંડ્રેડમાં ખરાબ પ્રદર્શનને કારણે જેસન રોયને પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે ફિલ સાલ્ટને તક આપી છે, જેણે આ વર્ષની શરૂઆતમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું. સંયુક્ત અરબ અમીરાતમાં 2021માં ટી20 વિશ્વકપ બાદ જેસન રોયે 11 મેચ રમી છે, જેમાં માત્ર 206 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડની ટીમમાં ફાસ્ટ બોલરોનો દબદબો
ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. ટીમમાં ક્રિસ જોર્ડન, રોસ ટોપલે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વુડ ફાસ્ટ બોલર છે. તો બેન સ્ટોક્સ અને સેમ કરન ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે. જ્યારે સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે માત્ર આદિલ રાશિદ છે. તેની સાથે મોઇન અલી જોવા મળશે.
જોસ બટલરનો ઓપનિંગ પાર્ટનર બની શકે છે સોલ્ટ
ઈંગ્લેન્ડે જાહેર કરેલી ટીમમાં જેસન રોય નથી. એટલે કેપ્ટન જોસ બટલર સાથે ફિલ સાલ્ટ ઈનિંગની શરૂઆત કરી શકે છે. ત્યારબાદ બેટિંગમાં ડેવિડ મલાન, જોની બેયરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોન જોવા મળશે. તો ઓલરાઉન્ડરના રૂપમાં મોઈન અલી અને બેન સ્ટોક્સ નિચલા ક્રમમાં મજબૂતી પ્રદાન કરશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube