દુબઈઃ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ મેદાન પર ઉતરવાથી ઈનકાર કરનાર શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંદીમલ સહિત ટીમ મેનેજમેન્ટે ખેલ ભાવનાથી વિપરીત આચરણના આઈસીસીના આરોપનો સ્વીકાર કરી લીધો છે. ચાંદીમલ, કોચ ચંદિકા હાથુરૂસિંઘે અને મેનેજર અસાંકા ગુરૂસિંઘાએ બીજી ટેસ્ટ મેચમાં ટીમને મેદાન પર ઉતરવાના ઈનકારમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલાની સુનાવણી માટે આઈસીસી દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારી માઇકલ બેલોફ આઈસીસીની આચાર સંહિતાની કલમ 2.3.1ના ઉલ્લંઘન હેઠળ સજા નક્કી કરશે જે ખેલભાવનાથી વિપરીત આચરણના સંદર્ભમાં છે. બેલોફ ચાંદીમલની અપીલ પર આજે સુનાવણી કરશે. લેવલ ત્રણના અપરાધ હેઠળ ચારથી આઠ વચ્ચે સસ્પેન્ડ અંક અને બે થી ચાર ટેસ્ટ અથવા તો ચારથી આઠ વનડેનો પ્રતિબંધ લાગી શકે છે. 



ઉલ્લેખનીય છે કે, ચાંદીમલે જ તેના પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ દ્વારા લગાવેલા એક ટેસ્ટ મેચના પ્રતિબંધ વિરુદ્ધ અપીલ કરી હતી. ઓન-ફીલ્ડ અમ્પાયરો અલીમ દાર, ઇયાન ગોઉલ્ડ અને ત્રીજા અમ્પાયર રિચર્ડ કેટલબોરોએ ચાંદીમલ પર વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો.