ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃ ભારતે પાકને 4-0થી હરાવ્યું, રમનદીપ, દિલપ્રીત, મંદીપે કર્યા ગોલ
ભારતે પોતાની પ્રથમ મેચ જીતીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે.
બ્રેડાઃ ભારતીય હોકી ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો પ્રથમ મેચ જીતીને સફરની શાનદાર શરૂઆત કરી છે. ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું. વિજેતા ભારત માટે રમદીપ સિંહ, 17 વર્ષીય દિલપ્રીત સિંગ, મંદીપ સિંહ અને લલિત ઉપાધ્યાએ એક-એક ગોલ કર્યો. આ રીતે ભારતે ત્રણ વખતની ચેમ્પિયન પાકિસ્તાનને પરાજય આપ્યો છે.
રમનદીપનો શાનદાર ગોલ
મેચના પ્રથમ ક્વાર્ટરમાં બંન્ને ટીમ ગોલવિહોણી રહી હતી. બીજા ક્વાર્ટરમાં ભારતના રમનદીપ સિંહે ભારતીય ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો. તેણે આ ગોલ હાફ ટાઇમ પહેલા 25મી મિનિટે કર્યો હતો. સિમરનજીત પાસેથી મળેલા શાનદાર પાસને રમનદીપ સિંહે હિટ લગાવતા પોસ્ટની ડાબી બાજુ ગોલ કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાન સામે 1-0ની લીડ મેળવી લીધી હતી. હાફ ટાઇમ સુધી સ્કોર 0-1થી ભારતના પક્ષમાં રહ્યો હતો.
દિલપ્રીત બાદ મંદીપે કર્યો ગોલ
બીજા હાફની શરૂઆતમાં 13માં રેન્કની પાકિસ્તાને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગોલ કરવામાં અસફળ રહી. ભારત માટે આ હાફમાં એક ગોલ દિલપ્રીતે કર્યો. આ 17 વર્ષીય યુવા 54મી મિનિટે પોસ્ટની ડાબી બાજીથી શાનદાર હિટ લગાવી, જે પાકિસ્તાન ગોલ કિપરને ચમકો આપીને ગોલ પોસ્ટમાં ગયો. આ સાથે ભારતે 2-0ની લીડ મેળવી લીધી. મેચ પુરો થતા પહેલા ભારત માટે ત્રીજો ગોલ મંદીપે કર્યો.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમે છે આ ટીમો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિશ્વની ટોપ-6 ટીમો રમે છે. આ વખતે ઓલંમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના, વિશ્વની નંબર-1 ટીમ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, યજમાન નેધરલેન્ડ, ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટનો ભાગ છે. ભારતનો આગામી મેચ આર્જેન્ટીના (24 જૂન), ઓસ્ટ્રેલિયા (27 જૂન), બેલ્જિયમ (28 જૂન) અને નેધરલેન્ડ સામે (30 જૂન) છે.
3 વખતની ચેમ્પિયન છે પાક
પાકિસ્તાન 3 વખત (1978, 1980 અને 1994)માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂક્યું છે, પરંતુ દર વખતે પોતાની ધરતી પર ટાઇટલ જીત્યું છે.