IPL 2019, qualifier 2: વોટસન-ફાફ ડુ પ્લેસિસની અડધી સદી, દિલ્હી હાર્યું
વિશાખાપટ્ટનમમાં રમાયેલી આઈપીએલની સિઝન-12ના ક્વોલિફાયર-2મું ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
વિશાખાપટ્ટનમઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શેન વોટસન (50) અને ફાફ ડુ પ્લેસિસ (50)ની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-12ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સેને 6 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે (12 મેએ) હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં તે આઈપીએલના ટાઇટલ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. જ્યારે દિલ્હીની યુવા ટીમનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાઇ ગયું છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 19 ઓવરમાં 151 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. અંબાતી રાયડૂ (20) અને બ્રાવો (4) રન બનાવી અણનમ રહ્યાં હતા.
વોટસન- ડુ પ્લેસિસ વચ્ચે અડધી સદીની ભાગીદારી
149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બંન્ને ઓપનર શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. પાવરપ્લેમાં ડુ પ્લેસિસે આક્રમક બેટિંગ કરી હતી. બીજા છેડે વોટસન વધુ લયમાં નહતો. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 81 રન જોડ્યા હતા. ફાફ ડુ પ્લેસિસ 39 બોલમાં 50 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. તેણે 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
દિલ્હી કેપિટલ્સની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. એલિમિનેટર મેચનો હીરો પૃથ્વી શો (5) રન બનાવી દીપક ચહરનો શિકાર બન્યો હતો. ઈનિંગની ત્રીજી ઓવરમાં દીપકે તેને LBW આઉટ કરીને ચેન્નઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હરભજન સિંહે ઈનિંગની છઠ્ઠી ઓવરમાં શિખર ધવન (18)ને આઉટ કરીને ચેન્નઈને મોટી સફળતા અપાવી હતી. ધવને 14 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી ફટકારી હતી. આ દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા હતા.
મુનરો મોટી ઈનિં રમવામાં નિષ્ફળ
પૃથ્વી શો આઉટ થયા બાદ આજે કોલિન મુનરો ક્રીઝ પર આવ્યો હતો. તે પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈનિંગની 9મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા મુનરો (27)ને ડ્વેન બ્રાવોના હાથે કેચઆઉટ કરાવીને દિલ્હીને ત્રીજો ઝટકો આપ્યો હતો. મુનરોએ 24 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મુનરો આઉટ થયા બાદ ઇમરાન તાહિરે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર (13)ને સુરેશ રૈનાના હાથે કેચ આઉટ કરાવીને દિલ્હીને વધુ એક ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ડ્વેન બ્રાવોએ અક્ષર પટેલ (3)ને તાહિરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. દિલ્હીએ 80 રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી.
કીમો પોલ અને રદરફોર્ડ ફ્લોપ
વેસ્ટ ઈન્ડીઝના બે યુવા ખેલાડીઓ કીમો પોલ અને શેફરને રદરફોર્ડ પણ પંતનો સાથ આપવામાં નિષ્ફળ રહ્યાં હતા. રદરફોર્ડ (10)ને હરભજન સિંહે વોટસનના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ કીમો પોલ (3)ને બ્રાવોએ બોલ્ડ કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ડ (6)ને જાડેજાએ બોલ્ડ કર્યો હતો.
પંત દિલ્હીનો હાઇ-સ્કોરર
રિષભ પંત ફરી આજે દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 25 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રનનું યોગદાન આપ્યું હતું. તેને ઈનિંગની 19મી ઓવરમાં દીપક ચહરે ડ્વેન બ્રાવોના હાથે કેચ કરાવીને ડગઆઉટમાં પરત મોકલી આપ્યો હતો.
ચેન્નઈની ટીમમાં એક ફેરફાર
ચેન્નઈ સુપર કિંગ્સે આ મેચમાં પોતાની અંતિમ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. મુરલી વિજયના સ્થાને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે. જ્યારે દિલ્હીએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ જ્યાં 3 વખત આ ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે તો ફાઇનલમાં પહોંચેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ 3 વખત ટાઇટલ જીત્યું છે.
ટીમ
ચેન્નઈ સુપર કિંગ્સઃ શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, એમએસ ધોની, અંબાતી રાયડૂ, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, ઇમરાન તાહિર.
દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, કોલિન મુનરો, રૂદરફોર્ડ, કીમો પોલ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ.