ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે ઘરઆંગણે પોતાનો દબદબો જાળવી રાખતા દિલ્હી કેપિટલ્સને આઈપીએલ મેચમાં 80 રને પરાજય આપીને 18 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. સુરેશ રૈના, ધોની અને જાડેજાની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 16.2 ઓવરમાં 99 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 44 રન ફટકાર્યા હતા. ચેન્નઈનો ઘરઆંગણે સાત મેચમાંથી આ છઠ્ઠો વિજય છે. ચેન્નઈ 13 મેચમાંથી 9 મેચ જીત્યા છે અને 18 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે 13 મેચમાંથી 8માં વિજય મેળવ્યો છે અને તેના 16 પોઈન્ટ છે. દિલ્હી ટેબલમાં બીજા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈ તરફથી ઇમરાન તાહિર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 3.2 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો જાડેજાએ 3 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી. હરભજન અને દીપક ચહરને એક-એક સફળતા મળી હતી. 


દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ ઓવરમાં પૃથ્વી શો 4 રન બનાવીને આઉટ થયો હતો. તેને દીપક ચહરે આઉટ કર્યો હતો. ત્યારબાદ શિખર ધવને કેટલાક આક્રમક શોટ્સ ફટકાર્યા હતા પરંતુ પાવરપ્લેની અંતિમ ઓવરમાં હરભજન સિંહનો શિકાર બન્યો હતો. 


શિખરે 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ આગામી ઓવરમાં રિષભ પંત 5 રન બનાવી ઇમરાન તાહિરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જાડેજાએ કોલિન ઇન્ગ્રામ (1)ને LBW આઉટ કરીને દિલ્હીને ચોથો ઝટકો આપ્યો હતો. તાહિરે 11મી ઓવરમાં અક્ષર પટેલ (9) અને શેફરન રદરફોર્ડ (2)ને એક ઓવરમાં પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. 


ઈનિંગની 12મી ઓવરમાં જાડેજાએ ક્રિસ મોરિસ (0) અને શ્રેયસ અય્યર (44)ને આઉટ કરીને દિલ્હીની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. આ બંન્ને મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર સ્ટમ્પિંગ દ્વારા આઉટ થયા હતા. ટીમનો સ્કોર 92 રન હતો ત્યારે સુચિથને શેન વોટસને સીધા થ્રો દ્વારા રન આઉટ કર્યો હતો. અંતમાં તાહિરે અમિત મિશ્રાને આઉટ કરીને દિલ્હીને ઓલઆઉટ કરી દીધું હતું. 


ચેન્નઈએ આપ્યો 180 રનનો ટાર્ગેટ
ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે સુરેશ રૈનાએ સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. તો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 22 બોલમાં અણનમ 44 રન ફટકાર્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 41 બોલમાં 39 અને જાડેજાએ 10 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે જગદીશ સુચિતે બે વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી. 


રૈના અડધી સદી ફટકારવાના મામલે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર
રૈનાએ 37 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેણે 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં તેની બીજી અને આઈપીએલમાં 37મી અડધી સદી છે. તે આઈપીએલમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલામાં શિખર ધવનની સાથે સંયુક્ત રૂપથી બીજા નંબર પર પહોંચી ગયો છે. પ્રથમ નંબર પર હૈદરાબાદનો ડેવિડ વોર્નર છે. વોર્નરની આઈપીએલમાં 44મી અડધી સદી છે. 


રૈનાની ટી20 ક્રિકેટમાં આ 50મી અડધી સદી છે. તે ટી20માં 50થી વધુ અડધી સદી ફટકારનાર 10મો બેટ્સમેન છે. તેના પહેલા ક્રિસ ગેલ (80), વોર્નર (71), વિરાટ કોહલી (60), બ્રેન્ડન મેક્કુલમ (55), રોહિત શર્મા (54), ફિન્ચ (53), ડિવિલિયર્સ (53), ધવન (53), અને ગંભીર (53) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. 


વોટસન શૂન્ય પર આઉટ
આ ઘરઆંગણે ચેન્નઈની છેલ્લી લીગ મેચ છે. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શેન વોટસન શૂન્ય રન પર આઉટ થયો હતો. તેને જગદીશ સુચિતે અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે આ સિઝનમાં ઘરઆંગણે રમાયેલી પ્રથમ મેચમાં પણ શૂન્ય પર આઉટ થયો હતો. સુચિતની આ સિઝનમાં પ્રથમ મેચ હતી.