ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફની આશા જીવંત રાખતા કરો યા મરો મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. સીઝનમાં ચેન્નઈની સાતમી જીત છે અને તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજીતરફ હાર બાદ રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે. ચેપોકમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 141 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયકવાડના અણનમ 42 રન
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સ માટે કેપ્ટન ગાયકવાડે સૌથી વધુ રન બનાવ્યા હતા. ગાયકવાડ 41 બોલમાં 1 ફોર અને 2 સિક્સ સાથે 42 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સિવાય રચિન રવીન્દ્રએ 18 બોલમાં 1 ફોર અને 2 સિક્સ સાથે 27 રન ફટકાર્યા હતા. જ્યારે ડેરેલ મિચેલ 22 રન બનાવી આઉટ થયો હતો. 


મોઈન અલીએ 11 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 18 રન ફટકાર્યા હતા. રવીન્દ્ર જાડેજા 5 રન બનાવી આઉટ થયો હતો. સમીર રિઝવીએ 8 બોલમાં 3 ચોગ્ગા સાથે અણનમ 18 રન બનાવ્યા હતા. 


આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 141 રન બનાવી શકી હતી. રાજસ્થાન માટે રિયાન પરાગે 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 47 રન બનાવ્યા હતા. યશસ્વી જાયસ્વાલ 24 અને બટલર 21 રન બનાવી આઉટ થયા હતા. 


કેપ્ટન સંજૂ સેમસન પણ માત્ર 15 રન બનાવી શક્યો હતો. ધ્રુવ જુરેલે 18 બોલમાં 2 સિક્સ અને એક ફોર સાથે 28 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શુભમ દુબે 0 રન બનાવી આઉટ થયો હતો.