ધોનીના કારણે બહાર થઈ CSK? 110 મીટરની સિક્સરે આ રીતે બદલી નાંખી સંપૂર્ણ મેચ!
MS Dhoni RCB vs CSK: મહેન્દ્રસિંહ ધોનીએ યશ દયાલના બોલ પર લેગ સાઇડ પર 110 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. જો જોવામાં આવે તો આ સિક્સ સીએસકેની હારનું કારણ બની હતી. આ સિક્સના કારણે બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ગયો હોવાથી અમ્પાયરે નવા બોલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
IPL 2024, MS Dhoni RCB vs CSK: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ સળંગ છઠ્ઠી જીત નોંધાવી અને IPL 2024 ના પ્લેઓફમાં જગ્યા બનાવીને પ્રશંસકોને મોટી ભેટ આપી હતી. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 27 રનથી હરાવ્યું હતું. RCBને પ્લેઓફમાં પહોંચવા માટે CSK સામે ઓછામાં ઓછા 18 રનથી જીતની જરૂર હતી. એટલે કે જો CSKએ 201 રન બનાવ્યા હોત તો પણ તેઓ RCBને હરાવીને પ્લેઓફમાં પહોંચી ગયા હોત, પરંતુ એવું થયું નહીં.
...તો ધાનીની આ સિક્સ બની હારનું કારણ
CSKને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતા. આવી સ્થિતિમાં આ કામ બિલકુલ મુશ્કેલ નહોતું. છેલ્લી ઓવરમાં યશ દયાલનો પહેલો બોલ ફુલ ટોસ પડ્યો હતો, જેના પર ધોનીએ લેગ સાઇડ પર 110 મીટર લાંબી સિક્સર ફટકારી. જો કે દયાલે યોર્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ ભીનો હોવાથી તે થઈ શક્યું નહોતું. જો કે, પછી યશ દયાલે મેચમાં જોરદાર પુનરાગમન કર્યું અને આરસીબીની નૈયા પાર કરાવી દીધી હતી.
જોવામાં આવે તો ધોની દ્વારા ફટકારવામાં આવેલ 110 મીટરની સિક્સ સીએસકેની હારનું કારણ બની હતી. આ લાંબી સિક્સરના કારણે બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ગયો હોવાથી અમ્પાયરે નવો બોલ મંગાવવો પડ્યો હતો. યશ દયાલે નવા બોલ સાથે બાજી પલટી નાંખી. નવો બોલ સૂકો હતો, જેના કારણે દયાલ તેના પર સંપૂર્ણ ગ્રીપ મેળવી શક્યો હતો. દયાલે બેક ઓફ ધ હેન્ડ સ્લોઅર બોલ ફેંક્યા, જેના પર CSKના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા નહીં. દયાલે ધીમા બોલ પર જ ધોનીને આઉટ કર્યો હતો.
કાર્તિકે કહ્યું મેચનો ટર્નિંગ પોઈન્ટ!
આરસીબીના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એમએસ ધોનીની સિક્સરને મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. કાર્તિકે કહ્યું, 'સૌથી સારી વાત એ હતી કે ધોનીએ મેદાનની બહાર સિક્સર ફટકારી અને અમને નવો બોલ મળ્યો, જેના લીધે બોલિંગ ખૂબ જ સરળ રહી હતી. યશ દયાલે શાનદાર બોલિંગ કરી હતી.
RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે મેચ બાદ ખુલાસો કર્યો હતો કે તેનો પ્લાન ધોની સામે યોર્કર બોલ નાખવાનો હતો. ચિન્નાસ્વામી મેદાનમાં વરસાદને કારણે બોલ ભીનો થઈ ગયો હોવાથી તે દયાલના હાથમાંથી સરકી રહ્યો હતો અને લો ફુલ ટોસ બની ગયો. આ કારણે ધોનીએ લાંબી સિક્સ ફટકારી હતી. બોલ ખોવાઈ ગયા પછી દયાલને ડ્રાય બોલ મળ્યો, જેના કારણે તે ધીમી બોલિંગ કરી શક્યો.
આ મેચમાં RCBના બોલરોએ ભીના બોલથી ઘણી વખત ફુલ ટોસ બોલ ફેંક્યા હતા, જેનો ફાયદો CSKના બેટ્સમેનોએ લીધો હતો. લોકી ફર્ગ્યુસને તો બે બીમર પણ ફેંક્યા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ મેદાન પર અમ્પાયરોને વારંવાર બોલ બદલવાની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. જોકે ધોનીના સિક્સર બાદ અમ્પાયરે નવા બોલનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ નવો બોલ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.