નવી દિલ્હી: આઈપીએલ 2018ની હરાજી બાદ ખેલાડીઓને લઈને સૌથી વધુ ચેન્નાઈની ટીમ નિશાના પર હતી. આ ટીમ અંગે કહેવાયું હતું કે તેમાં ઘરડા ખેલાડીઓ પર ભરોસો દર્શાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેને ઘરડાઓની ફૌજ કહેવામાં આવી હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હોય કે શેન વોટ્સન કે પછી ડ્વેન બ્રાવો કે હરભજન સિંહ. આ તમામ ખેલાડીઓ હવે 35 વર્ષ કે તેથી વધુ આયુ વટાવી ચૂક્યા છે. પરંતુ આઈપીએલ શરૂ થયા બાદ જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ટીમો આઈપીએલ 2018માં લગભગ 8-8 મેચો રમી ચૂકી છે. ચેન્નાઈની ટીમ એકવાર ફરીથી બધાને પછાડીને પોઈન્ટ્સ ટેબલ પર નંબર વનની પોઝિશન પર બિરાજમાન છે. તેના આ જ ઘરડા ખેલાડીઓએ બધાના દાંત ખાટા કરી નાખ્યા છે. સ્ટાર ખેલાડીઓ અને યુવાઓથી ભરેલી ટીમો ચેન્નાઈ સામે સાવ પછડાટ ખાધેલી જોવા મળી. આ ટીમે અત્યાર સુધીમાં 8માંથી 2 મેચોમાં જ હારનો સામનો કર્યો છે.


સૌથી વધુ રન બનાવનારા પહેલા દસ ખેલાડીઓમાં પણ એકલી ચેન્નાઈની ટીમના જ 3 ખેલાડીઓ છે. જેમાં અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની અને શેન વોટ્સનના નામ સામેલ છે. ચેન્નાઈના કોચ સ્ટીફન ફ્લેમિંગને ખુશી છે કે મહેન્દ્ર સિંહ ધોની, શેન વોટ્સન અને ડ્વેન બ્રાવોએ અત્યાર સુધી આઈપીએલમાં મહત્વ ભૂમિકા ભજવીને આલોચકોના મોઢા બંધ કરી નાખ્યા છે. જેમણે ટીમને 'ડેડ્સ આર્મી' ગણાવી હતી. ધોની અને વોટ્સન જલદી 37 વર્ષના થશે જ્યારે બ્રાવો  હજુ 35 વર્ષનો છે પરંતુ આ ત્રણેય  ખેલાડીઓએ ચેન્નાઈની 8માંથી 6 જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.


ધોનીના નામ પર ત્રણ અડધી સદી છે જ્યારે વોટ્સને એક સદી અને એક અડધી સદી ફટકારી છે. બ્રાવોએ બોલ અને બેટ બંનેથી સારું પ્રદર્શન કર્યુ છે. ફ્લેમિંગે કોલકાતા નાઈટરાઈડર્સ વિરુદ્ધ આવતી કાલે રમાનારી મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું કે ઉમર કોઈ બાધા નથી. મારું માનવું છે કે સીનિયર ખેલાડીઓ હજુ પણ મહત્વનું યોગદાન આપી શકે તેમ છે. અમારી પાસે કેટલાક યુવા ખેલાડીઓ છે, પરંતુ દબાણમાં પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવું મહત્વ રાખે છે. એવી મેચો બહુ ઓછી હોય છે જેમાં તમારા પર દબાણ ન હોય.