IPL 2021: પેટ કમિન્સને શાનદાર ઈનિંગ પાણીમાં, રોમાંચક મેચમાં ચેન્નઈનો 18 રને વિજય
વાનખેડેમાં રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નઈએ કોલકત્તાને પરાજય આપ્યો છે. આ સાથે માહીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 15મી મેચમાં રોમાંચક સ્થિતિમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 18 રને પરાજય આપી સીઝનમાં ત્રીજી જીત મેળવી છે. આ સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે કોલકત્તાનો ચાર મેચમાં આ ત્રીજો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 220 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 19.1 ઓવરમાં 202 રન બનાવી રનઆઉટ થઈ ગઈ હતી. આજની મેચમાં સિક્સનો વરસાદ થયો હતો. વાનખેડેમાં કુલ 26 સિક્સ લાગી હતી.
દીપક ચાહર ત્રાટક્યો
ચેન્નઈએ આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. તેના ટોપના 5 બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યા નહીં. નીતિશ રાણા (9), શુભમન ગિલ (0), ઇયોન મોર્ગન (7), સુનીલ નરેન (4)ને દીપક ચાહરે આઉટ કર્યા હતા. તો રાહુલ ત્રિપાઠી (8)ને લુંગી એન્ગિડીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કોલકત્તાએ 31 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
આંદ્રે રસેલ અને દિનેશ કાર્તિકે સંભાળી ઈનિંગ
31 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ દિનેશ કાર્તિક અને આંદ્રે રસેલ પર ટીમની જવાબદારી આવી પડી હતી. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. રસેલે આક્રમક બેટિંગ કરતા માત્ર 22 બોલમાં 54 રન ફટકારી દીધા હતા. રસેલે આ દરમિયાન 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. રસેલ સેમ કરનની ઓવરમાં બોલ્ડ થયો હતો. દિનેશ કાર્તિકે 24 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 40 રન બનાવ્યા હતા. તે લુંગી એન્ગિડીની ઓવરમાં આઉટ થયો હતો.
પેટ કમિન્સની દમદાર બેટિંગ
કોલકત્તા માટે લક્ષ્ય હાસિલ કરવો ખુબ મુશ્કેલ હતો. પરંતુ પેટ કમિન્સે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે આઈપીએલ કરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. કમિન્સે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સેમ કરનની 16મી ઓવરમાં કમિન્સે ચાર છગ્ગા અને એક ચોગ્ગા સાથે 30 રન ફટકારી દીધા હતા. કમિન્સ 34 બોલમાં 6 છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 66 રન બનાવી અણનમ રહ્યો હતો.
કમલેશ નાગરકોટી શૂન્ય રન પર એન્ગિડીનો શિકાર બન્યો હતો. વરૂણ ચક્રવર્તી શૂન્ય રન પર રનઆઉટ થયો હતો. અંતમાં પ્રસિદ્ધ કૃષ્ણા રનઆઉટ થયો હતો.
ફાફ ડુ પ્લેસિસ અને ગાયકવાડ વચ્ચે સદીની ભાગીદારી
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેલિસસ અને રુતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ શરૂઆતથી જ આક્રમક શોટ્સ રમવાનું ચાલુ કર્યુ અને 6 ઓવરમાં ટીમનો સ્કોર 54 રન પર પહોંચાડી દીધો હતો. બન્નેએ 12મી ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. પ્રથમ ત્રણ મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર રુતુરાજ ગાયકવાડે આજે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. રુતુરાજ 42 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 64 રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ચેન્નઈએ 115 રનનો સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી હતી.
ફાફ ડુ પ્લેસિસની 17મી આઈપીએલ ફિફ્ટી
રુતુરાજ સાથે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કર્યા બાદ ફાફે મોઇન અલી સાથે બીજી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ધોની સાથે 36 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસ પોતાની પ્રથમ આઈપીએલ સદીથી માત્ર 5 રન દૂર રહ્યો હતો. ફાફે 60 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 95 રન બનાવ્યા હતા.
મોઇન અલીએ 12 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા. મોઇન અલી નારાયણની ઓવરમાં આઉટ થયો હતો. એમેસ ધોનીએ 8 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 17 રન બનાવ્યા હતા. ધોની રસેલની ઓવરમાં આઉટ થયો હતો. જાડેજા એક બોલમાં છ રન બનાવી અણનમ રહ્યો હતો.
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી વરૂણ ચક્રવર્તી, સુનીલ નરેન અને આંદ્રે રસેલને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube