બાટુમીઃ ભારતીય પુરુષ ટીમ 43મી વિશ્વ ચેસ ઓલિમ્પિયાડમાં છેલ્લી હારમાંથી બહાર આવતાં ફરી વિજયના પાટે ચડી ગઈ છે. પાંચમી ક્રમાંકિત ભારતીય ટીમે ઓલિમ્પિયાડના પાંચમા રાઉન્ડમાં 51મી સીડ ધરાવતી પેરાગ્વેની ટીમને હરાવી હતી. તેણે આ રાઉન્ડ 3.5-0.5થી જીત્યો. મહિલા ટીમે આર્જેન્ટિનાને આ જ પોઈન્ટ સાથે હરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મહિલા ટીમ ટૂર્નામેન્ટમાં સંયુક્ત રીતે બીજા નંબરે છે, જ્યારે પુરુષ ટીમ સંયુક્ત રીતે 8મા નંબરે પહોંચી ગઈ છે. જ્યોર્જિયામાં ચાલી રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં શુક્રવારે પાંચમા રાઉન્ડની મેચ રમાઈ હતી. ચોથા રાઉ્ડમાં વિશ્વનાથન આનંદને ફેબિયાનો કરૂઆના સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય પુરુષ ટીમ આ મેચ અમેરિકા સામે 1.5-2.5થી હારી ગઈ હતી. 


શુક્રવારે ભારતીય ખેલાડીઓએ સુંદર પ્રદર્શન કરતાં 51મી ક્રમાંકિત પેરાગ્વે સામે ચારમાંથી ત્રણ બાજી જીતી લીધી હતી. એક બાજી ડ્રો રહી હતી. વિશ્વનાથન આનંદે શુક્રવારે પેરાગ્વેના નોરિસ ડેલગાડો રામિરેઝને 26 ચાલમાં હરાવી દીધો. તેઓ ત્રીજા બોર્ડ પર રમી રહ્યા હતા. 


અધિબને એન્ટોનિયો અલ્મિરોનને 35 ચાલમાં હરાવ્યો હતો. ટીમના કેપ્ટન અને કોચ આર.બી. રમેશને કે.શશિકરણને ચોથા બોર્ડ પર મોકલવાનો અને યુવાન વિદિત સંતોષ ગુજરાતીને આરામ આપવાનો નિર્ણય લીધો હતો. શશિકરણે પાઉલો જોડોરકોવ્સ્કીને 35 ચાલમાં સરળ ગેમમાં હરાવ્યોહતો. પી. હરિકૃષ્ણાને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો. તેની અને ગુઈલેમો વાજક્વેઝની મેચ 59 ચાલ બાદ પણ ડ્રો રહી. 


ભારતીય પુરુષ ટીમનો ટૂર્નામેન્ટમાં આ ચોથો વિજય છે. તેણે પ્રથમ ત્રણ મુકાબલા જીત્યા હતા. ચોથા રાઉન્ડમાં પરાજય થયો હતો. શુક્રવારે ટોપ સીડ અમેરિકાએ ઈઝરાયેલને ડ્રો પર રોક્યું, જ્યારે ચીને ચેક રિપબ્લિકને હરાવ્યું હતું. 


ટૂર્નામેન્ટમાં અજેય ચાલી રહેલી ભારતીય મહિલા ટીમે શુક્રવારે વધુ એક વિજય મેળવ્યો. ડી. હરિકાએ પરાજયની અણીએ પહોંચેલી પોતાની બાજી ડ્રો કરાવી હતી. જ્યારે કોનેરૂ હમ્પી, તાનિયા સચદેવ અને એશા કરાવાડેએ પોત-પોતાની મેચ જીતી લીધી હતી. કોનેરુ હમ્પીએ કેરોલિના લુઝાનને 52 ચાલમાં હરાવી હતી. હરિકા દ્રોણાવલ્લીએ ક્લાઉડિયા અમુરાને 65 ચાલમાં જ્યારે તાનિયાએ ફ્લોરેન્સિયા ફર્નાન્ડિસને હરાવી હતી. 


ભારતીય મહિલા ટીમના મહત્તમ 10માંથી 9 પોઈન્ટ છે અને તે સંયુક્ત રીતે બીજા નંબરે ચાલી રહી છે.