નવી દિલ્હીઃ Chess World Cup 2023 Final: નોર્વેના પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને ફિડે વિશ્વકપ ફાઇનલના પ્રથમ ટાઈબ્રેકરમાં ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબૂ પ્રજ્ઞાનંદાને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યું છે. ફાઇનલમાં પ્રથમ બે રાઉન્ડનું પરિણામ આવ્યું નહીં અને આ બંને ગેમ ડ્રો પર સમાપ્ત થઈ હતી. વિશ્વકપ વિજેતાનો નિર્ણય ગુરૂવારે ટાઈબ્રેકર દ્વારા થયો, જ્યાં 25 મિનિટની પ્રથમ રેપિડ ગેમમાં કાર્લસને બાજી મારી હતી. બીજી ગેમ ડ્રો પર સમાપ્ત થઈ અને મેગ્સન કાર્લસને 2021 બાદ પ્રથમવાર વિશ્વકપ જીત્યો છે. 


ભારતના 18 વર્ષના પ્રજ્ઞાનંદાએ સોમવારે સેમીફાઇનલમાં ટાઈબ્રેક દ્વારા વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફાબિયાનો કરૂઆનાને હરાવ્યો હતો અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાનંદાએ કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ 2024માં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તે કાર્લસન અને બોબી ફિશર બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પહોંચનાર ત્રીજો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તે વિશ્વનાથન આનંદ બાદ કેન્ડિડેટ્સમાં રમનાર બીજો ભારતીય હશે. તે વિશ્વકપ ફાઇનલ રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ છે.