નવી દિલ્હીઃ Most First Class Runs: ભારતીય બેટર ચેતેશ્વર પુજારાએ ખાસ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હકીકતમાં ચેતેશ્વર પુજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20 હજાર રન બનાવનાર ચોથો બેટર બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડે આ સિદ્ધિ મેળવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર પ્રથમ નંબર પર છે. લિટિલ માસ્ટરે 348 ફર્સ્ટ ક્લાસ મેચમાં 51.46ની એવરેજથી 25834 રન બનાવ્યા છે. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 81 સદી ફટકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર
તો આ યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. સચિન તેંડુલકરના નામે 310 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25396 રન નોંધાયેલા છે. માસ્ટર બ્લાસ્ટરે ફર્સ્ટ ક્લાસમાં 81 સદી ફટકારી છે. ત્યારબાદ ત્રીજા સ્થાને રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડે 298 મેચમાં 23794 રન બનાવ્યા છે. ધ વોલના નામથી જાણીતા રાહુલ દ્રવિડે ફર્સ્ટ ક્લાસમાં 55.33ની એવરેજથી આ રન બનાવ્યા છે. તેમણે 68 વખત સદીનો આંકડો પણ પાર કર્યો છે.


હવે ચેતેશ્વર પુજારાની ક્લબમાં એન્ટ્રી
અત્યાર સુધી ચેતેશ્વર પુજારાએ 260 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં પુજારાએ 20013 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં આ બેટરે 51.96ની એવરેજથી રન બનાવ્યા છે. ચેતેશ્વર પુજારાના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 61 સદી છે. આ ચાર બેટર સિવાય કોઈ અન્ય ખેલાડી ફર્સ્ટ ક્લાસમાં 20 હજારથી વધુ રન બનાવી શક્યો નથી. ચેતેશ્વર પુજારાએ દિગ્ગજોની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.