ચાંગ્ઝુ (ચીન) : ભારતીય શટલર પી.વી. સિંધુ અને કિદાંબી શ્રીકાંતે ચાઈના ઓપનમાં શાનદા પ્રદર્શન કરતાં આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોચી ગઈ છે. ભારતીય જોડીએ તેમના કરતાં સારું રેન્કિંગ ધરાવતી ઈંગ્લેન્ડની જોડીને હરાવીને કમાલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

69 મિનિટમાં પી.વી. સિંધુનો વિજય 
પી.વી. સિંધુએ ગુરૂવારે 10 લાખ ડોલરની ઈનામી રકમની ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બુસાનન ઓંગ્બામરૂંગફનને 21-23, 21-13, 21-18થી હરાવી હતી. થાઈલેન્ડની બુસાનને પ્રથમ ગેમ જીતી જઈને પી.વી. સિંધુને મુશ્કેલીમાં નાખી દીધી હતી. જોકે સિંધુએ ગેમમાં વાપસી કરતાં બીજી ગેમ જીતી લીધી હતી. ત્રીજી ગેમમાં બંને વચ્ચે કાંટાની ટક્કર થઈ, પરંતુ આખરે સિંધુ 21-18થી વિજય મેળવવામાં સફળ રહી હતી. સિંધુને મેચ જીતવા માટે 69 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 


સીધા સેટમાં જીત્યો શ્રીકાંત 
સાતમો ક્રમાંકિત કિદાંબી શ્રીકાંત પણ પ્રી-ક્વાર્ટરમાં પહોંચી ગયો છે. તેણે ગયા અઠવાડિયે જાપાન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલા ડેનમાર્કના રાસમસ ગેમકેને 21-9, 21-19થી હરાવ્યો હતો. હવે તેનો સામનો થાઈલેન્ડની સુપાનયુ અવિહિંગસાનોન સાથે થશે. જોકે, એચ.એસ. પ્રણય પ્રથમ રાઉન્ડમાં જ આઠમા ક્રમાંકિત હોંગકોંગના લોંગ અંગુસ સાથે 16-21, 12-21થી હારીને ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયો હતો. 


સાઈરાજ-અશ્વિને કર્યો ઉલટફેર 
મિક્સ્ડ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ-અશ્વિની પોનપ્પાની જોડીએ ઈંગ્લેન્ડના માર્ક્સ-લોરેનની જોડીને હરાવી હતી. વર્લ્ડ નંબર-25ની ભારતીય જોડીએ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ઈંગ્લિશ જોડીને એક કલાક ત્રણ મિનિટમાં 21-12, 20-22, 21-17થી હરાવી હતી. ઈંગ્લિશ જોડીનું વર્લ્ડ રેન્કિંગ 14 છે. હવે ભારતીય જોડીની ટક્કર ચીનના ઝેંગ સિવેઈ અને હુઆંગ યાકિયોંગની ટોચની ક્રમાંકિત જોડી સાથે થશે. 


મનુ અત્રી-સુમિત રેડ્ડીનો પરાજય 
મનુ અત્રી અને બી. સુમિત રેડ્ડીને પુરુષ ડબલ્સની પ્રી-ક્વાર્ટરમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તાઈવાનના ચેનહુંગ લિંગ અને વાંગ ચિન લિનની જોડીએ ભારતીય જોડીને માત્ર 24 મિનિટમાં 21-9, 21-10થી હરાવી દીધી હતી. સાત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી પુરુષ ડબલ્સમાં ગોહ વી. શેમ અને ટાન વી. કિયોંગની મલેશિયન જોડી સામે 19-21, 20-22થી હારી ગઈ હતી. અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીને મહિલા ડબલ્સમાં કોરિયાની કિમ સો યિયોંગ અને કોંગ હી યોંગની જોડી સામે 10-21, 18-21થી હારનો સામનો કરવો પડ્યો.