નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવનના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 4000 રન પૂરા કરી લીધા છે. તે આ લીગમાં સૌથી ઝડપી આ મુકામ પર પહોંચનાર ખેલાડી છે. આ સાથે તે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ગેલ આ સાથે આઈપીએલમાં 4000 રન પૂરા કરનારો બીજો વિદેશી ખેલાડી બની ગયો છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે આઈપીએલમાં 4 હજાર રન પૂરા કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઝડપથી 4000 રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ડેવિડ વોર્નર 114 ઈનિંગનો રેકોર્ડ તોડ્યો છે. ગેલે 112 ઈનિંગમાં આ સિદ્ધિ હાસિલ કરી છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 128 ઈનિંગમાં 4 હજાર આઈપીએલ રન પૂરા કર્યા હતા. 


ગેલે સોમવારે જયપુરમાં રમાઈ રહેલા આ લીગના ચોથા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. તેણે ધવલ કુલકર્ણીના બોલ પર એક રન દોડીને 4000 રન પૂરા કર્યા હતા. આ મેચ પહેલા ગેલે 3994 રન બનાવ્યા હતા. ગેલે આઈપીએલમાં 4000 રન બનાવનાર 9મો બેટ્સમેન છે. 



ગેલના નામે આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી આ લીગમાં 295 સિક્સ ફટકારી છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈના આ યાદીમાં સૌથી ઉપર છે. રૈનાએ 34.27ની એવરેજથી 5004 રન બનાવ્યા છે. તે આ લીગમાં 5000 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બીજા સ્થાને વિરાટ કોહલી છે જેણે 164 મેચોમાં 4954 રન બનાવ્યા છે. 


ગેલથી પહેલા સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા, ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, ડેવિડ વોર્નર, શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોની આ મુકામ હાસિલ કરી ચુક્યા છે.