સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબઈને હરાવી બન્યું ચેમ્પિયન, જાણો જીતના હિરો કોણ રહ્યા?
ગુજરાત તરફથી પ્રથમ ઇનિંગ્સમાં જય માલુસરેએ સર્વાધિક 50 રન ફટકાર્યા હતા અને આર.એ. વાઘેલાએ 5 વિકેટ ઝડપી હતી. ગુજરાત તરફથી ક્ષિતિજ પટેલે બીજી ઇનિંગ્સમાં 88 રન કર્યા હતા, જ્યારે વિશાલ જયસ્વાલે 5 વિકેટ ઝડપી હતી.
અતુલ તિવારી/અમદાવાદ: સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની છે. ગુજરાતની ટીમે મુંબઈને હરાવી ચેમ્પિયન બન્યું છે. જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની છે. ગુજરાતે 191 રને મુંબઈને પરાજય આપ્યો છે. ગુજરાતે પ્રથમ ઇનિંગ્સમાં 199 અને બીજી ઇનિંગ્સમાં 309 રન ફટકાર્યા હતા. જ્યારે મુંબઈની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 189 અને બીજી ઇનિંગ્સમાં 128 રન કરી શક્યું હતું.
ગુજરાત તરફથી પ્રથમ ઇનિંગ્સમાં જય માલુસરેએ સર્વાધિક 50 રન ફટકાર્યા હતા અને આર.એ. વાઘેલાએ 5 વિકેટ ઝડપી હતી. ગુજરાત તરફથી ક્ષિતિજ પટેલે બીજી ઇનિંગ્સમાં 88 રન કર્યા હતા, જ્યારે વિશાલ જયસ્વાલે 5 વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમનો શાનદાર દેખાવ જોવા મળ્યો હતો. U25 ગુજરાતની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 8 વિકેટે રેલવેને પરાજય આપી ગુજરાતની ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં ગુજરાત અને રેલવેની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. રેલવેની ટીમે પ્રથમ ઇનિંગમાં 156 જ્યારે બીજી ઇનિંગમાં પણ 123 રન કરીને ઓલઆઉટ થઈ હતી.
ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 177 જ્યારે બીજી ઇનિંગમાં બે વિકેટે 103 રન કરી વિજય હાંસિલ કર્યો હતો. ગુજરાત તરફથી વિશાલ જયસ્વાલે પહેલી ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં આઠ વિકેટ ઝડપી હતી. ઉર્વીલ પટેલે પહેલી ઇનિંગમાં 73 રન ફટકાર્યા હતા.