મયંક અગ્રવાલને વનડે ટીમમાંથી કાઢીને ફસાઈ ગયા પસંદગીકારો, આખરે સ્પષ્ટતા કરી કે...
વેસ્ટ ઇન્ડિઝ દરમિયાન જાહેર કરાયેલી વન ડે ટીમમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનો સમાવેશ ન કરીને પસંદગીકારોએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે
મુંબઈ : ભારતીય ટીમના ખેલાડી મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં યોજાયેલા વિશ્વ કપ (ICC World Cup 2019) દરમિયાન ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar) ઇજાગ્રસ્ત થતા ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. એ સમયે બધાને લાગ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ ભવિષ્યમાં ભારતની વન ડે ટીમના એક હિસ્સા તરીકે મયંક અગ્રવાલને જોઈ રહ્યું છે. જોકે વેસ્ટ ઇન્ડિઝ દરમિયાન જાહેર કરાયેલી વન ડે ટીમમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનો સમાવેશ ન કરીને પસંદગીકારોએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. હવે ચાહકો પસંદગીકારોના નિર્ણય પર સવાલ કરી રહ્યા છે.
વિશ્વ કપ દમિયાન ઋષભ પંતને ઘાયલ થતા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના સ્થાન પર ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. જોકે પછી શંકર ઘાયલ થતા મયંકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમના મુખ્ય પસંદગીકાર એમ.એસ. કે પ્રસાદે કહ્યું હતું કે તેમણે ટીમ મેનેજમેન્ટની ડિમાન્ડ પ્રમાણે જ પસંદગી કરી છે.
એમ.એસ. કે પ્રસાદે કહ્યું હતું કે ''સિરીઝની વચ્ચે હું કોઈ પ્રેસ કોન્ફરન્સનો હિસ્સો નથી બનતો જેના કારણે અનેક અફવાને વેગ મળ્યો છે. જ્યારે શિખર ધવનને ઇજા થઈ હતી ત્યારે ઓપનિંગ બેટ્સમેન તરીકે લોકેશ રાહુલ હતો. અમારી પાસે કોઈ ડાબોડી બેટ્સમેન નહોતો એટલે ટીમ મેનેજમેન્ટે અમારી પાસે આની માગણી કરી હતી. આ માટે અમારી પાસે પંત સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. શંકર જ્યારે ઇજાગ્રસ્ત થયો ત્યારે એક મેચમાં રાહુલ પણ બાઉન્ડ્રી પાસે પડીને ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. આ સમયે પરિસ્થિતિ પ્રમાણે અમે મયંક અગ્રવાલની પસંદગી કરી હતી.'