Commonwealth games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થયે ચાર દિવસ વીતી ગયા છે. ભારત સતત પોતાના મેડલ્સની સંખ્યા વધારી રહ્યું છે. સોમવારે ટીમ ઈન્ડિયાને કુલ 3 મેડલ મળ્યા જેમાંથી બે જૂડોની ઈવેન્ટમાં મળ્યા જ્યારે એક વેઈટલિફ્ટિંગમાં મળ્યો. જેમાં એક સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની મેડલ ટેલી
આ સાથે હવે ભારતની મેડલ ટેલી 9 થઈ ગઈ છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ છઠ્ઠા નંબરે છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ ઉપરાંત સોમવારે ભારતે પોતાના 3 વધુ મેડલ પાક્કા કર્યા છે. આ ઈવેન્ટના ફાઈનલ મુકાબલા બાકી છે. જેમાંથી એક લોન બોલ્સ, બીજી બેડમિન્ટન છે જ્યારે એક ટેબલ ટેનિસનો મુકાબલો છે. 


હરજિંદર કૌરે કર્યો કમાલ
ભારતીય વેઈટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓના 71 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હરજિંદરે સ્નેચમાં 93 કિલો અને ક્લીન અને જર્કમાં 119 કિલોનું વજન ઉઠાવીને કુલ 212 કિલો વજન ઉપાડવા સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ઈંગ્લેન્ડની સારાહ ડેવિસ અને સિલ્વર મેડલ કેનેડાની એલેક્સિસ એશવર્થે જીત્યો. 


અત્રે જણાવવાનું કે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઈટલિફ્ટર્સનું પ્રદર્શન ખુબ જ શાનદાર જોવા મળી રહ્યું છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં અત્યાર સુધીમાં 7 મેડલ જીત્યા છે જેમાં 3 ગોલ્ડ મેડલ સામેલ છે. ગત વખતે ભારતે વેઈટલિફ્ટિંગમાં 9 મેડલ જીત્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ભારત પોતાનો પાછલો રેકોર્ડ તોડી શકે છે કે નહીં. 


કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર


1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)


કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીની મેડલ ટેલી જોશો તો ઓસ્ટ્રેલિયા 70 મેડલ સાથે ટોપ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 53 મેડલ સાથે બીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં 24 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ સામેલ છે. 


લોન બોલ્સમાં ઈતિહાસ રચાયો
ભારત માટે સોમવારનો દિવસ એટલા માટે પણ ખાસ રહ્યો કે લોન બોલ્સમાં ટીમ ઈન્ડિયાનો વધુ એક મેડલ પાક્કો થયો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે આ ઈવેન્ટમાં ભારતને કોઈ મેડલ મળી રહ્યો છે. મહિલાઓની ટીમે ન્યૂઝીલેન્ડને માત આપીને ફાઈનલમાં જગ્યા બનાવી અને એક મેડલ પાક્કો કરી નાખ્યો. 


અજય સિંહ થોડા માટે રહી ગયા
ભારતને એક મોટો ઝટકો વેઈટલિફ્ટિંગમાં જોવા મળ્યો. જ્યાં 81 કિલોગ્રામ કેટેગરીમાં અજય સિંહ મેડલ જીતવાથી ચૂકી ગયા. તેઓ ફક્ત એક કિલોગ્રામ વજનના કારણે મેડલ જીતવાથી પાછળ રહી ગયા. અજય સિંહે કુલ 319 કિલોગ્રામ વજન ઉઠાવ્યું. જેમાં સ્નેચ રાઉન્ડમાં 143 કિલોગ્રામ અને ક્લીન અને જર્ક રાઉન્ડમાં 176 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube