ન્યૂયોર્કઃ ફ્રેન્ચ ટેનિસ ખેલાડી એલાઈઝ કોર્નેટ દ્વારા ગરમીને કારણે યુએસ ઓપનની પ્રથમ મેચ દરમિયાન ટેનિસ કોર્ટ પર જ પોતાનું શર્ટ બદલવાની ઘટના પર નવો વિવાદ પેદા થઈ ગયો છે. યુએસ ટેનિસ એસોસિએશન (યુએસટીએ)નું માનવું છે કે, ચેર અમ્પાયર દ્વારા ફ્રાન્સની ખેલાડીને ચેતવણી આપવી ખોટી બાબત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, યુએસ ઓપન દરમિયાન હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીને કરાણે દસ મિનિટ સુધી કોર્ટમાંથી બહાર જવાની મંજુરી આપવામાં આવી રહી છે. આવા જ એક બ્રેક દરમિયાન કોર્નેટે પરસેવાથી રેબઝેબ થયેલું પોતાનું ટીશર્ટ બદલ્યું હતું. પછી તે રમત શરૂ થતાં પહેલાં ઝડપથી ટીશર્ટ બદલીને કોર્ટ પર પહોંચી ગઈ હતી. જોકે, તેણે ઉતાવળમાં ટીશર્ટ ઊંધું પહેરી લીધું હતું. કોર્નેટને આ બાબતનું ધ્યાન ન હતું, પરંતુ તેના મિત્રએ તેનું આ તરફ ધ્યાન દોર્યું. આવી સ્થિતીમાં કોર્નેટે બેઝલાઈનની પાછળ ઊભા રહીને જ પોતાનું ટીશર્ટ ઉતાર્યું, તેને સીધું કર્યું અને ફરી પાછું ઝડપથી પહેરી લીધું. 


ચેર અમ્પાયર ક્રિસ્ટિયન રસ્કે ત્યાર બાદ કોર્નેટને ચેતવણી આપી હતી. ફ્રાન્સની આ ખેલાડી આ મેચમાં સ્વિડનની યોહાના લાર્સેન સામે 4-6, 6-3 અને 6-2થી હારી ગઈ હતી. કોર્નેટે ત્યાર બાદ જણાવ્યું કે, મેં ઝડપથી ટીશર્ટ બદલ્યું અને તેમણે મને આચારસંહિતાના ઉલ્લંઘનની ચેતવણી આપી ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયું હતું. મે તેમને જણાવ્યું કે, આ ઘણું વિચિત્ર કહેવાય. યુએસટીએ પણ કોર્નેટ સાથે સહમત છે. 


 


કોર્નેટે શું કર્યું હતું એ જૂઓ ઉપરની લિન્કમાં. 


યુએસ ઓપનના આયોજનક યુએસટીએએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે અમારી નીતિને સ્પષ્ટ કરી છે. સદનસીબે કોર્નેટને માત્ર ચેતવણી જ આપવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારનો દંડ ફટકારાયો ન હતો.  


અમ્પાયર રસ્કના નિર્ણયની સોશિયલ મીડિયા પર ખુબ જ ટીકા થઈ રહી છે. જેમાં ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા એન્ડી મરેના માતા જુડીનો પણ સમાવેશ થાય છે. યુએસ ઓપનમાં બે વખત રનર-અપ રહેલી વિક્ટોરિયા અઝારેન્કાએ પણ ચેર અમ્પાયરના નિર્ણયની ટીકા કરી છે. 


મહિલાઓ વ્યવસાયિક ટેનિસ મેચ દરમિયાન કોર્ટ પર જ્વલ્લે જ કપડા બદલતી હોય છે, જ્યારે પુરુષ ખેલાડી દરેક સમયે પોતાનો શર્ટ બદલતા રહે છે. મંગળવારે જ 13 વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચ ગરમીથી રાહત મેળવવા માટે ચેન્જ ઓવરના સમયે શર્ટ ઉતારીને બેઠો હતો. 


મહિલા ટેનિસ ટૂર ડબલ્યુટીએ દ્વારા પણ અમ્પાયરની ચેતવણીને 'અનુચિત' જણાવી છે. તેણે જણાવ્યું કે, કોર્નેટે જે કંઈ કર્યું તેને રોકવા માટેના કોઈ નિયમ નથી.