ઝાડમાં ફસાયો બોલ, ઝાડ કાપવા કુહાડી લાવ્યા, ગોળી મારી બોલ ઉતાર્યો, 1 બોલમાં 6 કિ.મી. દોડી બનાવ્યાં 286 રન!
Cricket : કોઈ કઈ રીતે કરી શકે એક જ બોલમાં 286 રન? જોકે, આવું કઈ રીતે બન્યુ એ રોચક કિસ્સો જાણવા છે. આ સમાચારનો એકમાત્ર સ્ત્રોત તે સમયના અંગ્રેજી અખબાર પોલ મોલ ગેઝેટને માનવામાં આવે છે. આ અનોખા સમાચાર તેના સ્પોર્ટ્સ પેજ પર છપાયા હોવાનું કહેવાય છે.
Cricket Records: ક્રિકેટની રમત આજે દુનિયાભરમાં પ્રચલિત છે. એમાંય ક્રિકેટને ભારતમાં માત્ર રમત નહીં પણ જાણે કે એક ધર્મ કે મજહબની જેમ જોવામાં આવે છે. જ્યારે આ રમતનો દુનિયાભરનો ભગવાન એટલે આપણો સચિન તેંડુલકર. હવે ટી-20, વન-ડે, ટેસ્ટ એમ ત્રણ ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે. ક્રિકેટમાં આજે અનેક રેકોર્ડ બની ચુક્યા છે. અને અનેક નવા રેકોર્ડ બનતા રહે છે અને જુના રેકોર્ડ તૂટતા રહે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટની સાથો-સાથ આઈપીએલ સહિતની અલગ અલગ લીગને કારણે પણ આ રમતનો રોમાંચ સતત વધી રહ્યો છે. સટ્ટોડિયાઓ પણ આને એક ધંધો બનાવીને કરોડોની કમાણી કરી રહ્યાં છે. આ બધુ થઈ રહ્યું છે ત્યારે ઈતિહાસના પન્નાઓ ફેરવીએ તો જાણવા મળશે ક્રિકેટ વિશેની નોખી અનોખી વાતો. આવું જ કંઈક 1894 માં રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિકેટના ઈતિહાસમાં નોંધાયેલી આ મેચમાં એક બોલ પર 286 રન બન્યા હતા.
ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. કઇ ટીમ ક્યારે જીતતી – જીતતી હારે અને હારતા-હારતા જીતી જાય એ અહીં કશું કહી શકાતું નથી. જો વિરોધી ટીમને એક બોલમાં 10 રનની જરૂર હોય તો પણ એવી આશા રાખે કે કદાચ એક જ બોલ પર નો બોલ અને સિક્સર પડે તો એક બોલ પર માત્ર ત્રણ રન બનાવવા પડશે. એટલે કે જ્યાં સુધી મેચનો છેલ્લો બોલ ફેંકવામાં ન આવે ત્યાં સુધી રમતમાં અનિશ્ચિતતા રહે છે.
આવો જ એક કિસ્સો ધ્યાને આવે છેકે, જેમાં ક્રિકેટની રમતનો એક અનોખો રેકોર્ડ નોંધાયો હતો. 1 જ બોલમાં બેટ્સમેને 286 રન ફટકારી લીધા હતા. જાણીને નવાઈ લાગશે કે એક બોલમાં 286 રન કઈ રીતે થઈ શકે. પણ આ હકીકત છે. વર્ષો પહેલાં ક્રિકેટના ઈતિહાસમાં આ રેકોર્ડ નોંધાયેલો છે. 128 વર્ષ પહેલા એટલે કે 1894માં એક ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં બેટ્સમેનોએ એક-બે નહીં પણ 286 રન બનાવ્યા હતા. જેમાં બન્ને ખેલાડીઓએ લગભગ છ કિલોમીટર જેટલું દોડીને આ રન લીધા હતાં. આખરે શું થયું અને કેવી રીતે બન્યા આટલા રન, જાણો અહીં સમગ્ર માહિતી.
આ વાત છે વર્ષ 1894ની...
વાત એ છે કે 15 જાન્યુઆરી 1894ના રોજ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બોનબરીના મેદાન પર વિક્ટોરિયા અને ‘સ્ક્રેચ XI’ વચ્ચે મેચ ચાલી રહી હતી. મેચના પહેલા જ બોલ પર બેટ્સમેને લાંબો શોટ માર્યો અને બોલ ઝાડ પર ફસાઈ ગયો. તેને ‘જરાહ વૃક્ષ’ કહેવામાં આવે છે. બંને બેટ્સમેન ક્રિઝ પર દોડતા રહ્યા. જ્યારે બોલ મળી આવ્યો અને ઝાડ પરથી પડયો ત્યાં સુધીમાં તેઓ એક પછી એક 286 રન ભાગીને બનાવી ચૂક્યા હતા.
દોડી દોડીને લીધા 286 રનઃ
આ મેચ વિશે એવું પણ કહેવાય છે કે ફિલ્ડિંગ ટીમ ઝાડ કાપવા માટે કુહાડી પણ લાવવા માંગતી હતી. પરંતુ કુહાડી મળી ન હતી. પછી કોઈ ઘરમાંથી રાઈફલ લાવ્યું અને બોલને નિશાન બનાવીને બોલને ઝાડ પરથી નીચે પાડી દેવામાં આવ્યો. જ્યારે બોલ પડ્યો ત્યારે ફિલ્ડિંગ કરી રહેલા ખેલાડીઓ એટલા હતાશ થઇ ગયા હતા કે કોઈએ બોલને પકડવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. ત્યાં સુધીમાં વિક્ટોરિયાના બેટ્સમેનો ક્રિઝ પર 286 રન બનાવી ચૂક્યા હતા અને આ ટીમે આટલા જ રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. 1 બોલમાં 286 રનનો સ્કોર પોતાનામાં એક રેકોર્ડ છે.
6 કિલોમીટર જેટલું દોડીને લીધા રન-
રન માટે દોડતી વખતે બંને ખેલાડીઓએ આ સમય દરમિયાન ક્રિઝની વચ્ચે લગભગ 6 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ વૃક્ષ મેદાન પર આવ્યું હતું અને ફિલ્ડિંગ ટીમે પણ અમ્પાયરને અપીલ કરી હતી કે તે બોલને ખોવાયેલો જાહેર કરે જેથી બેટ્સમેન રન લેતા અટકાવી શકાય. પરંતુ અમ્પાયરોએ અપીલ ફગાવી દીધી કે બોલ ઝાડ પર અટવાઈ ગયો હતો અને તે દેખાઈ રહ્યો હતો. તેથી તેને ખોવાયેલ જાહેર કરી શકાય નહીં.