સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માંઅનેક ઈન્ટરનેશનલ ક્રિકેટર્સની તોફાની બેટિંગના કારણે ચર્ચામાં છે. આ જ કડીમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર જોવા મળી રહેલા ઈશાન કિશને એક મેચમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી પોતાની ટીમને ફક્ત 27 બોલમાં મેચ જીતાડી દીધી. વાત જાણે એમ છે કે ગ્રુપ સીની એક મેચમાં અરુણાચલ પ્રદેશ અને ઝારખંડ વચ્ચે મેચ રમાઈ જેમાં ઈશાને જબરદસ્ત પ્રદર્શન કરતા ટીમને 10 વિકેટથી જીતાડી. 77 રનની ઈનિંગની મદદથી ઈશાનનો સ્ટ્રાઈક રેટ 300 ઉપર જોવા મળ્યો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈશાન કિશનના ચોગ્ગા છગ્ગાની ગૂંજ સંભળાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોગ્ગા છગ્ગાનું તોફાન
અરુણાચલ પ્રદેશે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 93 રન કર્યા. જવાબમાં ઝારખંડ માટે ઓપનિંગ કરવા ઉતરેલા ઈશાન કિશન અને ઉત્કર્ષ સિંહે અણનમ ઈનિંગ રમીને 10 વિકેટથી જીત અપાવી દીધી. ઈશાન કિશને 334.78ના ઘાતક સ્ટ્રાઈક રેટથી અણનમ 77 રન કર્યા. તેની આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા જોવા મળ્યા. 


14 બોલમાં 74 રન અને 27 બોલમાં જીત
ઈશાન કિશને ચોગ્ગા અને છગ્ગાની મદદથી માત્ર 14 બોલમાં 74 રન કર્યા. તેની આ ધૂંઆધાર ઈનિંગની મદદથી ઝારખંડની ટીમ ફક્ત 27 બોલ (4.3) ઓવરમાં જ મેચ જીતી ગઈ. તેનો જોડીદાર ઉત્કર્ષ સિંહ 2 છગ્ગાની મદદથી 6 બોલમાં 13 રન કરીને નોટઆઉટ રહ્યો. આ અગાઉ અનુકૂળ રોય અને રવિકુમાર યાદવની શાનદાર બોલિંગના કારણે અરુણાચલ પ્રદેશ સસ્તામાં ઓલઆઉટ થઈ ગયું હતું. 


3 જીત સાથે બીજા નંબરે ઝારખંડ
ઝારખંડની આ ટુર્નામેન્ટમાં ત્રીજી જીત છે. ટીમે ચાર મેચ રમી છે. જેમાંથી 3માં જીત અને એક હાર સાથે 12 અંક મેળવ્યા છે. ટીમ પોતાના ગ્રુપમાં બીજા સ્થાન પર છે. ટોપ પર દિલ્હીની ટીમ છે. જેણે અત્યાર સુધીમાં બધી મેચો જીતી છે. તેના ચાર મેચમાં 16 અંક છે. ત્રીજા નંબર પર 12 અંક સાથે ઉત્તર પ્રદેશની ટીમ છે.  ચોથા નંબર પર હરિયાણા છે. જેના ચાર મેચમાં 2 જીત સાથે 8 અંક છે.