Ravichandran Ashwin Retirement: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેમણે બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી.
ભારતના દિગ્ગજ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેમણે બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી. અશ્વિને કહ્યું કે આ મારા માટે ખુબ ભાવુક સમય છે.
અશ્વિનને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફક્ત એક મેચમાં રમવાની તક મળી છે. તે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાં રમ્યા હતા અને તેમને બે ઈનિંગમાં ફક્ત એક સફળતા મળી હતી. તેઓ પર્થ અને બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં રમી શક્યા નહતા. અશ્વિનની જગ્યાએ બ્રિસ્બેનમાં રવિન્દ્ર જાડેજાને તક મળી હતી. ઓસ્ટ્રિલયા પ્રવાસ પર બાકી બચેલી બે મેચ મેલબર્ન અને સિડની ટેસ્ટમાં પણ તેમનું રમવું મુશ્કેલ છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સીધી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ મેચ રમશે. આ બધા પહેલુઓને જોતા 38 વર્ષના અશ્વિને નિવૃત્તિ જાહેરા કરી છે.
અશ્વિનનો ટેસ્ટ રેકોર્ડ
અશ્વિને ભારત માટે 2011થી અત્યાર સુધીમાં 106 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેમણે અનેક મેચોમાં પોતાના દમ પર બાજી પલટી છે. તેમણે ટેસ્ટ મેચોમાં 537 વિકેટ લીધી છે. આ દરમિયાન 37 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટોનો રેકોર્ડ તેમના નામે છે. તેઓ ટેસ્ટ મેચોમાં આમ કરનારા દુનિયાના બીજા ક્રિકેટર છે. અશ્વિનના નામે 3503 રન છે જેમાં તેણે 6 સદી અને 14 અડધી સદી સામેલ છે.
વનડે ટી20માં પણ સુપરહિટ
વનડે ક્રિકેટની વાત કરીએ તો અશ્વિને 116 મેચોમાં 707 રન બનાવ્યા છે. જ્યારે 156 વિકેટ પણ લીધી છે. ભારત માટે અશ્વિનને 65 ટી 20 મેચોમાં રમવાની તક મળી. આ દરમિયાન 72 વિકેટ લીધી. અશ્વિન 2011મં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમમાં પણ સામેલ હતા.