ક્રિકેટ રેકોર્ડ 2018: ટેસ્ટમાં 10 સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર
વર્ષ 2018મા ટેસ્ટ ક્રિકેટમાં માત્ર માત્ર બે બેટ્સમેનો બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યાં છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લાથમ અને બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફીકુર રહીમે આ વર્ષે બેવડી સદી ફટકારી છે.
નવી દિલ્હીઃ વર્ષ 2018 ભારતીય ક્રિકેટ માટે શાનદાર રહ્યું છે. કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષે પણ ફરી શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે આ વર્ષે સાઉથ આફ્રિકા, ઈંગ્લન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ ઘણા રન બનાવ્યા છે. વિરાટે અનેક લાંબી ઈનિંગ રમી છે. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર બે બેટ્સમેનો બેવડી સદી ફટકારી શક્યા છે. ન્યૂઝીલેન્ડના ટોમ લાથમ અને બાંગ્લાદેશના મુશફીકુર રહીમે ટેસ્ટમાં 2018મા બેવડી સદી ફટકારી છે. તો શ્રીલંકાનો બીકેજી મેન્ડિસ બેવડી સદી ચુકી ગયો હતો. તો આવો એક નજર કરીએ આ વર્ષના ટેસ્ટના ટોપ-10 સર્વોચ્ચ સ્કોરની...
1. ટોમ લાથમ
ન્યૂઝીલેન્ડના ડાબોડી ઓપનર ટોમ લાથમે હાલમાં જ શ્રીલંકા વિરુદ્ધ અણનમ 264 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે બેટ કેરી કરતા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે કર્યો હતો. લાથમે પોતાની આ મેરેથોન ઈનિંગમાં 489 બોલનો સામનો કર્યો હતો. તેણે 21 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી.
2. મુશફીકુર રહીમ
બાંગ્લાદેશનો વિકેટકીપર બેટ્સમેન મુશફીકુર રહીમે ટેસ્ટમાં આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2018મા બેવડી સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન હતો. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઢાકામાં 219 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 421 બોલના સામનો કરતા 18 ફોર અને એક સિક્સ ફટકારી હતી. મહત્વનું છે કે, ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર રહેતા બે બેવડી સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
3. કુશલ મેન્ડિસ
શ્રીલંકન ટીમનું વર્ષ 2018મા પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પરંતુ કુશલ મેન્ડિસ સતત સારૂ પ્રદર્શન કરતો રહે છે. આ વર્ષે બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન મેન્ડિસે 196 રન ફટકાર્યા હતા. તે માત્ર 4 રને બેવડી સદી ચુકી ગયો હતો. ચિતાંગોગ ટેસ્ટમાં તેણે 327 બોલનો સામનો કરતા 16 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.
4. મોનિમુલ હક
મોનિમુલ હકે આ વર્ષે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બાંગ્લાદેશે ઘરઆંગણે જીતેલી ટેસ્ટ સિરીઝમાં તેનું યોગદાન મહત્વનું રહ્યું હતું. તેણે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લંકા સામે ચિતાંગોગ ટેસ્ટમાં તેણે 176 રન ફટકાર્યા હતા. જે આ વર્ષનો ચોથો સર્વોચ્ચ સ્કોર છે.
5. ધનંજય ડી સિલ્વા
શ્રીલંકાના આ બેટ્સમેને બાંગ્લાદેશ સામે વર્ષની શરૂઆતમાં રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન ચિતાંગોગ ટેસ્ટમાં 173 રન ફટકાર્યા હતા. જે આ વર્ષનો પાંચમો સર્વોચ્ચ સ્કોર છે.
6. ઉસ્માન ખ્વાજા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા માટે આ વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રહ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે દમદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી એશિઝ દરમિયાન ખ્વાજાએ સિડની ટેસ્ટમાં 171 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 381 બોલનો સામનો કરતા 18 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
7. મોનિમુલ હક
બાંગ્લાદેશના આ ખેલાડીએ તાજેતરમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી ઢાકા ટેસ્ટમાં 161 રનની ઈનિંગ રમી હતી.
8. દિમુથ કરૂણારત્ને
શ્રીલંકાના આ બેટ્સમેને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ગાલેમાં રમાયેલી ટેસ્ટમાં અણનમ 158 રન ફટકાર્યા હતા. તેણે 222 બોલનો સામનો કરતા 13 ફોર અને એક સિક્સની મદદથી આ રન બનાવ્યા હતા.
9. શોન માર્શ
ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન શોન માર્શે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાના શ્રેણી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સિડની ટેસ્ટમાં 291 બોલનો સામનો કરતા 18 ચોગ્ગાની મદદથી 156 રન ફટકાર્યા હતા.
10. વિરાટ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે આ વર્ષે પણ શાનદાર રહ્યું. તે વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સેન્ચુરિયન ટેસ્ટમાં 153 રન ફટકાર્યા હતા. 217 બોલમાં કોહલીએ 22 ફોર અને એક સિક્સ ફટકારી હતી. પરંતુ આ મેચમાં ભારતનો પરાજય થયો હતો.