વર્લ્ડ કપ 2019 WIvsAUS: ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને 15 રને હરાવ્યું, સ્ટાર્કની પાંચ વિકેટ
આઈસીસી વિશ્વકપની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે.
નોટિંઘમઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મી 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન બનાવી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે આ વિશ્વકપમાં બીજી મેચ રમી છે જેમાં એકમાં વિજય અને એકમાં તેનો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપ (68) અને જેસન હોલ્ડર (51)એ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કૂલ્ટર નાઇલે 92 અને સ્મિથે 73 રન ફટકાર્યા હતા.
આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આમને સામને છે. આ મેચ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિઝ મેદાન પર રમાઇ રહી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો છે.
રિવ્યૂએ ગેલને આપ્યા બે જીવનદાન
289 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં એવિન લુઇસ (1) પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. વિકેટકીપર એલેક્સ કેરીએ તેનો કેચ કર્યો હતો. ત્યારબાદ સ્ટાર્કની એક ઓવરમાં ગેલને બે રિવ્યૂ દ્વારા બે જીવનદાન મળ્યા હતા. અમ્પાયરે પહેલા કેચ આઉટ આપ્યો તો ગેલે રિવ્યૂ લીધું અને તેને નોટઆઉટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એજ ઓવરમાં અમ્પાયરે ગેલને LBW આઉટ આપ્યો હતો, પરંતુ ગેલે ફરી રિવ્યૂ લીધું અને થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ કરાવ્યો હતો. અંતે ગેલ ઈનિંગની પાંચમી ઓવરમાં 21 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. તેણે 17 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી.
શાઈ હોપ અને પૂરને સંભાળી ઈનિંગ
31 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ શાઈ હોપ અને નિકોલસ પૂરને વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ સંભાળી હતી. બંન્ને ટીમનો સ્કોર 99 પર પહોંચાડ્યો હતો. ત્યારે ઝમ્પાની ઓવરમાં પૂરન (40) ફિન્ચના શાનદાર કેચ દ્વારા આઉટ થયો હતો. તેણે 36 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ હોપે હેટમાયરની સાથે 50 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 149 હતો ત્યારે હેટમાયર રનઆઉટ થયો હતો. તેણે 28 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.
હોપની-હોલ્ડરની અડધી સદી
એક છેડે વિકેટ પડી રહી હતી બીજા છેડે હોપે શાનદાર બેટિંગ કરી હતી. તેણે વિશ્વકપમાં પ્રથમ અડધી સદી ફટકારી હતી. તે ટીમનો સ્કોર 190 રન હતો ત્યારે આઉટ થયો હતો. હોપે 105 બોલનો સામનો કરતા 7 ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. તેને પેટ કમિન્સે આઉટ કર્યો હતો. ત્યારબાદ આંદ્રે રસેલ (15) સ્ટાર્કનો શિકાર બન્યો હતો. રસેલે 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન બોલ્ડરે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની સાથે 51 રન બનાવ્યા હતા. તેને સ્ટાર્કે આઉટ કર્યો હતો.
મિશેલ સ્ટાર્કની પાંચ વિકેટ
ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરી હતી. તેણે કરિયરમાં છઠ્ઠી વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે 10 ઓવરમાં 1 મેડન સાથે 46 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે ક્રિસ ગેલ, જેસન હોલ્ડર, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ અને શેલ્ડન કોટરેલને આઉટ કર્યાં હતા. આ સિવાય પેટ કમિન્સે પણ બે વિકેટ ઝડપી હતી.
કૂલ્ટર નાઇલ ઓસ્ટ્રેલિયાનો હાઇએસ્ટ સ્કોરર
નાથન કૂલ્ટર નાઇલે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 60 બોલ પર 92 રનની ઈનિંગ રમી હતી. નાઇલ વિશ્વકપમાં આઠમાં સ્થાન પર રમતા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ઝિમ્બાબ્વેના હીથ સ્ટ્રીકનો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટ્રીકે 2003માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 8માં નંબર પર બેટિંગ કરતા અણનમ 72 રન બનાવ્યા હતા. નાઇલે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની વિશ્વકપમાં અને વનડે કરિયરમાં પ્રથમ અડધી સદી છે.
નાઇલ વનડેમાં 8માં ક્રમ પર બેટિંગ કરતા બીજો હાઇએસ્ટ સ્કોરર
નાઇલ વનડેમાં 8માં નંબર પર રમતા સૌથી વધુ રન બનાવવાના મામલામાં આંદ્રે રસેલની સાથે સંયુક્ત રૂપથી બીજા નંબર પર છે. રસેલે 2011માં ભારત વિરુદ્ધ નોર્થ સાઉન્ડના મેદાન પર અણનમ 92 રનની ઈનિંગ રમી હતી. આ મામલામાં પ્રથમ નંબર પર ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ છે. વોક્સે 2016માં નોટિંઘમમાં શ્રીલંકા વિરુદ્ધ અણનમ 95 રન બનાવ્યા હતા.
4 વિકેટ પડ્યા બાદ 250 રન જોડનારી ઓસ્ટ્રેલિયા બીજી ટીમ
વિશ્વકપમાં 50 રનની અંદર 4 વિકેટ ગુમાવ્યા બાદ ટીમનો સ્કોરમાં 250 કે તેનાથી વધુ રન જોડનારી ઓસ્ટ્રેલિયા બીજી ટીમ છે. ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ 38 રન પર પડી ગઈ હતી. આ મામલામાં ભારત પ્રથમ નંબર પર છે. 1983ના વિશ્વકપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારતે 9 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પોતાના સ્કોરમાં 257 રન જોડ્યા હતા.