વર્લ્ડકપ 2019: આફ્રિકાનો આશ્વાસન વિજય, લંકાને 9 વિકેટે હરાવ્યું
આઈસીસી વિશ્વ કપ-2019ની 35મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટે પરાજય આપ્યો છે.
ચેસ્ટર લી સ્ટ્રીટઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 35મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે શ્રીલંકાની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકન ટીમ 203 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 37.2 ઓવરમાં 206 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આફ્રિકા તરફથી હાશિમ અમલા (80*) અને ફાફ ડુ પ્લેસિસ (96*) રન બનાવ્યા હતા.
પ્લેઇંગ ઇલેવન
દક્ષિણ આફ્રિકાઃ હાશિમ અમલા, ડિ કોક, ફાફ ડુ પ્લેસિસ, એડન માર્કરમ, રુસી વાન ડેર ડુસેન, જેપી ડ્યુમિની, એન્ડિલે ફેહલુકવાયો, ડેવાઇન પ્રિટોરિયસ, ક્રિસ મોરિસ, કગિસો રબાડા, ઇમરાન તાહિર.
શ્રીલંકાઃ દિમુથ કરૂણારત્ને, કુસલ પરેરા, આવિશ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, ધનંજયા ડિ સિલ્વા, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, ઉસારૂ ઉડાના, લસિથ મલિંગા, સુરંગા લકમલ.
શ્રીલંકાએ બનાવી ટૂર્નામેન્ટ રોમાંચક
ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકાની 20 રનથી જીતે સેમિફાઇનલમાં જગ્યા બનાવનારી ટીમોની દાવેદારી રોચક બનાવી દીધી છે. શ્રીલંકાની ટીમ હાલમાં બે જીત સાથે છ પોઈન્ટ મેળવીને સાતમાં સ્થાન પર છે. ટીમ સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે પોતાની ત્રણેય મેચ જીતવી પડશે. શ્રીલંકાની ટીમને ટૂર્નામેન્ટની શરૂઆતમાં નબળી ગણવામાં આવતી હતી. આ સિવાય તે શરૂઆતી મેચોમાં હાર મળી અને ત્યારબાદ વરસાદને કારણે તેની બે મેચ રદ્દ થઈ ગઈ હતી. પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીતે તેની સ્થિતિમાં ફેરફાર કરી દીધો છે.
દક્ષિણ આફ્રિકાની સમસ્યા યથાવત
છેલ્લા વિશ્વ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવનારી આફ્રિકન ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 49 રનથી હાર બાદ નોકઆઉટની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ પોતાના નિરાશાજનક અભિયાન દરમિયાન ભૂલમાંથી શીખ મેળવવામાં નિષ્ફળ રહી છે. આફ્રિકાની પાસે હવે ગુમાવવા માટે કશું નથી અને ટીમ સાંત્વના ભરી જીત મેળવવાનો પ્રયત્ન કરશે. આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસે પાક સામે હાર બાદ કહ્યું હતું, આજે અમે જે પ્રકારે રમ્યા તે શરમજનક છે. હાલ તો અમે એક સામાન્ય ટીમ લાગી રહ્યાં છીએ કારણ કે અમે સતત ભૂલનું પરિવર્તન કર્યું છે.