લીડ્સઃ આઈસીસી વિશ્વકપ-2019ની 27મી મેચમાં શ્રીલંકાએ મેજર અપસેટ સર્જતા ટાઇટલની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડને  20 રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 232 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 47 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી મલિંગાએ ચાર તથા ધનંજય ડિ સિલ્વાએ 3 વિકેટ ઝડપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા તરફથી મેથ્યૂસે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને માર્ક વુડને ત્રણ-ત્રણ સફળતા મળી હતી. 


આ પહેલા કેપ્ટન દિમુથ કરૂણારત્ને એક રન બનાવીને જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થયો હતો. ક્રિસ વોક્સે કુસલ પરેરા (2)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અવિષ્કા ફર્નાન્ડો અડધી સદી ચુકી ગયો હતો. તે 49 રન બનાવીને માર્ક વુડના બોલ પર આઉટ થયો હતો. તેણે મેન્ડિસની સાથે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. 


કુસલ મેન્ડિસ 46 રન બનાવીને આદિલ રશિદના બોલ પર આઉટ થયો હતો. તેણે મેથ્યૂસ સાથએ 71 રનની ભાગીદારી કરી હતી. મેન્ડિસ આઉટ થયા બાદ આગામી બોલ પર જીવન મેન્ડિસ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. રશીદે તેનો કેચ ઝડપ્યો હતો. 


આ દરમિયાન મેથ્યૂસે આ વિશ્વકપમાં પોતાની પ્રથમ અડધી સદી બનાવી હતી. મેથ્યૂસ અને ધનંજય ડિ સિલ્વાએ છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ધનંજયા 29 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો.  થિસારા પરેરા (2)ને આર્ચરે પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. ઉસારૂ ઉડાના (6)ને માર્ક વુડે આઉટ કર્યો હતો. લસિથ મલિંગા (1) પર માર્ક વુડે બોલ્ડ કર્યો હતો. 


ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને માર્ક વુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય આદિલ રાશિદને 2 તથા વોક્સને એક સફળતા મળી હતી.