હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો, પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે સભ્યપદ કર્યું રદ્દ
ખાર જિમખાના એક પ્રતિષ્ઠિત ક્લબ છે. જે આ પહેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, અનુભવી ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા અને ઓલમ્પિક મેડાલિસ્ટ શટલર સાઇના નેહવાલને સભ્યપદ આપી ચુક્યું છે.
નવી દિલ્હીઃ ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલામાં ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડેડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે હાર્દિકની મેમ્બરશિપ રદ્દ કરી દીધી છે. આ ક્લબના સંયુક્ત સચિવ ગૌરવ કપાડિયાએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મેનેજિંગ કમિટિની સોમવારે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ મેમ્બરશિપ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણીતા ફિલ્મ કાર કરણ જૌહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાને કારણે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાર્દિકને સસ્પેન્ડ કર્યો છે. તેની સાથે શોમાં ગયેલા લોકેશ રાહુલ પણ સસ્પેન્ડ છે. પરંતુ બાદમાં પોતાની ટિપ્પણીને લઈને હાર્દિકે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.
એક રિપોર્ટ પ્રમાણે ગૌરવ કપાડિયાએ જણાવ્યું કે, ક્લબના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર ઘણી મહિલા સભ્યોએ પંડ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર મેનેજિંગ કમિટિએ એકમત થઈને તેનું સભ્યપદ પરત લેવાનો નિર્ણય કર્યો છે. તેને ગત વર્ષે ઓક્ટોબરમાં 3 વર્ષ માટે ક્લબનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ખાર જિમખાના એક પ્રતિષ્ઠિત ક્લબ છે. જે આ પહેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, અનુભવી ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા અને ઓલમ્પિક મેડાલિસ્ટ શટલર સાઇના નેહવાલને સભ્યપદ આપી ચુક્યું છે.