નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એમએસ ધોનીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે, આમ્રપાલી ગ્રુપ પાસે તેની બાકી રહેલા 40 કરોડ અપાવી દેવામાં આવે. ધોની તરફથી અરજીમાં કહેવામાં આવ્યું કે, તે ઘણા લાંબા સમય સુધી કંપનીનો ચહેરો રહ્યો, પરંતુ તેની ચુકવણી કરવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, આમ્રપાલી ગ્રુપ પર પોતાના હજારો ઘર ખરીદનારાઓને ઠગવાનો આરોપ છે અને તેનું ઘર ન આપવાનો આોપ છે. જેની વિરુદ્ધ ઘર ખરીદનારાઓએ પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે કેપ્ટન કુલ એમએસ ધોનીએ પણ આમ કર્યું છે. 


પોતાની અરજીમાં તેણે કહ્યું કે, 2009થી 2015 સુધી તે આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો, ત્યારે તેની સાથે કરાર હતો. 2016માં જ્યારે તે આમ્રપાલી ગ્રુપમાંથી અલગ થયો તો કંપનીએ તેના બાકી રહેલા નાણા ચુકવ્યા નથી. 


ઉલ્લેખનીય છે કે, આમ્રપાલી ગ્રુપ પર આશરે 45000 હોમ બાયર્સને ઘર ન આપવાનો આરોપ છે, આ કારણે ત્યારે હજારો લોકોએ ગ્રુપની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવ્યું હતું. આ કેમ્પેન બાદ ધોનીએ ઘર ખરીદનારાઓનું સમર્થન કરતા આમ્રપાલી ગ્રુપ સાથે પોતાનો નાતો તોડી દીધો હતો. ત્યારે લોકો માગ કરી રહ્યાં હતા કે બ્રાન્ડ એમ્બેસેડર હોવાને નાતે ધોનીએ તેના હકમાં બોલવું જોઈએ. એમએસ ધોનીની પત્ની સાક્ષી પણ આ ગ્રુપનો ભાગ હતી. 


આમ્રપાલી ગ્રુપ મામલામાં સુપ્રીમ કોર્ટે ગત વર્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. ગત વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર આમ્રપાલી સમૂહના ડાયરેક્ટર અનિલ કુમાર શર્મા, શોવ પ્રિયા અને અજય કુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આમ્રપાલી હોમ બાયર્સનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. તો મહેન્દ્ર સિંહ ધોની અત્યારે આઈપીએલમાં રમી રહ્યો છે.